મુંબાદેવી, માટુંગા ખાતે બનશે શટર અને રોબો પાર્કિંગ સુવિધા

18 માળના પાર્કિંગમાં 1000 વાહનો કરાશે પાર્ક
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : મુંબઈમાં પાર્કિંગની સમસ્યા દૂર કરવા માટે ઓછી જગ્યામાં વધુ વાહનો પાર્ક કરવાની સુવિધા ઉપલબ્ધ કરવા માટે પાલિકા પ્રયાસ કરી રહી છે ત્યારે અત્યાધુનિક પદ્ધતિની `શટર અને રોબો પાર્કિંગ'નો પર્યાય શોધી કાઢવામાં આવ્યો છે. આ પદ્ધતિથી માટુંગામાં 475, જ્યારે મુંબાદેવીમાં 546 વાહનો પાર્ક કરવાની ક્ષમતાવાળી 18 માળની પાર્કિંગ સુવિધા ઊભી કરવામાં આવશે. 
મુંબઈમાં અંદાજે 30થી 35 લાખ વાહનો છે. તેની સરખામણીમાં પાર્કિંગની વ્યવસ્થા પૂરતી નથી. પાલિકાની વિવિધ જગ્યાએ પાર્કિંગની સુવિધામાં અંદાજે 40થી 45 હજાર વાહનો પાર્ક કરવામાં આવે છે. તેથી મુંબઈમાં કોઇપણ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે. જેને કારણે ઇંધણ તથા પૈસાનો વેડફાટ થતો હોય છે અને વાહનોને માનસિક ત્રાસ પણ સહન કરવો પડતો હોય છે. 
પેડર રોડ, ભુલાભાઈ દેસાઈ માર્ગ ખાતે ઓટોમેટિક પાર્કિંગની સુવિધા જૂન, 2021માં શરૂ કરાઇ હતી. આ 21 માળના પાર્કિંગમાં 240 વાહનો પાર્ક કરી શકાય છે. ત્યારબાદ હવે માટુંગા પૂર્વ રેલવે સ્ટેશન સામેની ખાલી જગ્યામાં તેમજ મુંબાદેવી મંદિરની નજીક અૉટોમેટિક પાર્કિંગની સુવિધા ઊભી કરાશે. શટર અને રોબો પાર્ક પદ્ધતિથી બાંધવામાં આવનાર પાર્કિંગ સુવિધામાં અંદાજે 1,000 વાહનો પાર્ક કરાશે, એવી માહિતી પાલિકાના અધિકારીએ આપી હતી. 
આ બહુમાળી પાર્કિંગ સુવિધામાં વાહનોની અૉનલાઇન નોંધણી કરવામાં આવશે, જેમાં એક ભવ્ય સ્ટીલ પ્લેટ પર એક કાર ઊભી કરવામાં આવશે. આ પ્લેટ અૉટોમેટિક હશે. આવી સુવિધા મુંબઈમાં અન્ય જગ્યાએ પણ ઊભી કરાશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. 

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust