તારાપોર મત્સ્યાલયની ઈમારતને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ

કોસ્ટલ રોડનું બાંધકામ
શહેરમાં વૈશ્વિક સ્તરનું અત્યાધુનિક એક્વેરિયમ બનાવાશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : કોસ્ટલ રોડના બાંધકામને કારણે તારાપોરવાલા મત્સ્યાલયની ઇમારતને નુકસાન થઇ રહ્યું છે એવી બાબત પ્રકાશમાં આવ્યા બાદ આ ઇમારત તાત્કાલિક ખાલી કરવાનો આદેશ મત્સ્ય વ્યવસાય ખાતાના પ્રધાન સુધીર મુનગંટીવારે આપ્યો છે. 
મત્સ્યાલયની સામે જ કોસ્ટલ રોડનું કામ ચાલી રહ્યું છે અને આ કામને કારણે મત્સ્યાલયની ઇમારતમાં ધ્રુજારી થઇ રહી છે અને ઇમારતને નુકસાન થઇ રહ્યું છે એવો અહેવાલ જાહેર બાંધકામ વિભાગે ઓડિટ રિપોર્ટના આધારે રજૂ કર્યો છે. તેથી આ ઇમારત તાત્કાલિક ખાલી કરવાનો આદેશ મુનગંટીવારે આપ્યો છે. આ સિવાય શહેરમાં ટૂંક સમયમાં નવું અત્યાધુનિક મત્સ્યાલય શરૂ કરવામાં આવશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. 
નવું મત્સ્યાલય વૈશ્વિક દરજ્જાનું અને જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી)ના આધારે બનાવવાનો પ્રસ્તાવ તૈયાર કરવો. આ મત્સ્યાલય વિશ્વના સર્વોત્ત્મ મત્સ્યાલયમાંથી એક હોવું જોઇએ અને તેનું નિયોજન કરવાનો નિર્દેશ પણ મુનગંટીવારે એક બેઠકમાં કર્યો હતો. 
મુંબઈની ઓળખ ધરાવતું તારાપોરવાલા મત્સ્યાલય કેટલાક દિવસથી પર્યટકો માટે બંધ છે. હાલમાં તેમાં સમુદ્રના પાણીની 16 ટાંકીમાં 31 પ્રકારના દરિયાઇ જીવ છે, જ્યારે મીઠા પાણીની અને ટ્રોપિકલ ટાંકીમાં 54 પ્રકારની માછલીઓ છે. 

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust