ગુજરાતમાં ચૂંટણી તો મહારાષ્ટ્રમાં રજા કેમ? : પવાર

ગુજરાતમાં ચૂંટણી તો મહારાષ્ટ્રમાં રજા કેમ? : પવાર
મુંબઈ, તા. 24 : એનસીપી પ્રમુખ શરદ પવારે ગુજરાતમાં ચૂંટણી હોય તો મહારાષ્ટ્રમાં રજા કેમ એવો સવાલ પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્ર સરકારને કર્યો છે. શરદ પવારે જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં થવાની છે, પરંતુ મતદાનના દિવસોએ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. આ અગાઉ કયારેય આવું બન્યું નથી. કોઇ રાજ્યમાં મતદાન માટે અન્ય રાજ્યોમાંના કેટલાક વિસ્તારમાં રજાની જાહેરાત કરવામાં આવી હોય. એનો અર્થ એ થાય છે કે આ વખતે ગુજરાતમાં ભાજપની ચિંતા વધારી દેવા જેવી સ્થિતિ છે, કે પછી કોઇ જુદી વાત છે? 
મહારાષ્ટ્રમાં મધ્યવર્તી ચૂંટણીની શકયતાઓને લઇને શરદ પવારે જણાવ્યું હતું કે હાલ તો કંઇ કહી શકાય એમ નથી. અત્યારે મારે આ અંગે કોઇ ટિપ્પણ કરવી નથી. કોઇપણ તથ્ય વગર હું કંઇ બોલવા માંગતો નથી. શરદ પવારે જણાવ્યું હતું કે શિંદે સરકાર સત્તાનો ઉપયોગ વિપક્ષમાંના નેતાઓ ઉપર કેસ નોંધવા માટે કરી રહી છે. મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદ અંગે શરદ પવારે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ બાબતે ચર્ચા કરીને સમાધાન થઇ શકે એમ છે. કેટલાક વિસ્તારો સરહદ પાસે હોવાથી સમસ્યા છે. કર્ણાટકના મુખ્ય પ્રધાનના ભડકાઉ નિવેદન બાદ પરિસ્થિતિ વિકટ બની ગઇ છે. કેન્દ્ર સરકાર પોતાની જવાબદારીઓમાંથી બચી ન શકે. તેમણે આ સીમા વિવાદનો વહેલી તકે ઉકેલ લાવવો પડશે.

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust