આ ચૂંટણી પચીસ વર્ષ બાદના ગુજરાતનો નિર્ણય કરશે

આ ચૂંટણી પચીસ વર્ષ બાદના ગુજરાતનો નિર્ણય કરશે
વડા પ્રધાને પાલનપુર, મોડાસા, દહેગામ અને બાવળામાં જંગી જનસભાઓ ગજાવી 
ગુજરાત ગ્રીન હાઈડ્રોજનનું મથક બનશે : મોદી
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 24 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિજય સંકલ્પ સંમેલન અતર્ગત બનાસકાંઠાના પાલનપુર, સાબરકાંઠાના મોડાસા, ગાંધીનગરના દહેગામ અને અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે  જંગી સભાઓ સંબોધી હતી. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ જે તે જિલ્લાના ઉમેદવારે ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આગામી પચીસ વર્ષ દેશમાટે અમૃતકાળ સમાન છે અને અમૃતકાળની અંદર આ પહેલી ચૂંટણી છે આ ચૂંટણી પાંચ વર્ષ માટે નથી, પચીસ વર્ષ પછી ગુજરાત કેવું હશે તેનો નિર્ણય કરશે. આપણું ગુજરાત વિકસીત બને અને દુનિયાના સમૃદ્ધ દેશોની બરાબરીમાં આપણે કયાંય પાછા ન પડીએ તેના માટે આ ચૂંટણી છે.  
પાલનપુર ખાતે વડા પ્રધાને સભાને સંબોધતા જણાવ્યું હતું કે, મારી વાત પાંચ  `પ'  પર આધારિત છે, જેમાં  પર્યટન, પર્યાવરણ, પાણી, પશુધન, પોષણનો સમાવેશ થાય છે. દુનિયામાં પર્યટન ઉદ્યોગ ખૂબ તેજ ગતીથી ફલતો ફુલતો ઉદ્યોગ છે. દુનિયા એટલી નાની થઇ ગઇ છે કે લોકો એક છેડેથી બીજા છેડે જવા આતુર છે આ તો કોરોના આવ્યો એટલે બધુ અટકી ગયું. બનાસકાંઠાના રણને આપણે તોરણ બનાવી દીધું ત્યા વિકાસની બહુ સંભાવના છે.  
વડા પ્રધાને કહ્યું કે, ગુજરાત આવનાર દિવસમાં ગ્રીન હાઇડ્રોજનનું હબ બનવાનું  છે. પેટ્રોલ ડિઝલથી ચાલતી કારો ગ્રીન હાઇડ્રોજનથી ચાલે તે દિશામાં કામ કરી રહ્યા છીએ. પશુપાલનમાં ઘણા કામ કરી રહ્યા છીએ જેમાં પહેલા દૂધના પૈસા મળતા હવે પશુઓના છાણ-મૂત્રમાંથી આવક થાય તે માટે બાયોગેસ પર કામ કરવામાં આવી રહ્યું છે. મોદીએ મોડાસા ખાતે જાહેર સભાના સંબોધતા કોંગ્રેસને આડે હાથે લઇને જણાવ્યું હતુ કે, કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતને હંમેશા પછાત જ રાખ્યું છે. કોંગ્રેસનું કામ ભ્રષ્ટાચાર કરવાનું અને એકબીજાના ટાંટિયા ખેંચવાનું છે. 20 વર્ષ પહેલા રસ્તાઓના ઠેકાણા ન હતા આજે ગામો ગામ રસ્તાઓ બનાવ્યા છે, 20 વર્ષ પહેલા શૌચાલયની વ્યવસ્થાઓ ન હતી આજે ગુજરાતના ગામે ગામ શૌચાલય બનાવવાનું કામ કર્યું.
દહેગામ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, હવે એ દિવસ દુર નહી હોય કે ગાંધીનગર અને દેહગામ ટ્વીન સીટી હશે, ગાંધીનગર અને કલોલ ટ્વીન સિટી હશે અને દહેગામ, કલોલ અને ગાંધીનગર આખા ગુજરાતની આર્થિક ગતી વિધીને મજબૂત કરનારું મોટું કેન્દ્ર બનશે. દિલ્હીમાં નરેન્દ્ર હોય અને ગાંધીનગરમાં ભૂપેન્દ્ર હોય ત્યારે ડબલ એન્જિન લાગ્યા હોય ત્યારે ગુજરાત વિકાસમાં આગળ જ આવે.  વધુમાં વડા પ્રધાને ગિફ્ટ સીટીના મહત્વ વિશે જણાવ્યું હતું કે, ગીફટ સીટી દુનિયાનું મોટું કેન્દ્ર બની રહ્યું છે.
ગાંધીનગર આજે શિક્ષણનું મોટુ ધામ બન્યું છે, એમ જણાવતા મોદીએ ઉમેર્યું હતું કે, 20 વર્ષ પહેલા ગાંધીનગરમાં હાયર સેકેન્ડરીની 80 જેટલી શાળા હતી આજે 300 છે, 20 વર્ષ પહેલા ગાંધીનગરમાં એન્જિનીયારિંગ ડિગ્રીની 7 હજારથી વધુ બેઠકો છે.  20 વર્ષ પહેલા એન્જિનીયારિંગ અને ડિપ્લોમાની સીટો 200 આસપાસ હતી આજે 5 હજારે પહોંચી છે. આજે ગાંધીનગરમાં દુનિયાની એક મોટી ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરમાં છે. આજે દુનિયાની એક માત્ર ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગરમાં છે.
વડા પ્રધાનની રૅલીમાં ડ્રોન : ફોટોગ્રાફર વિરુદ્ધ કેસ
બાવળામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રૅલી દરમિયાન ત્રણ ખાનગી ડ્રોન ફ્લાયર્સ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સ્થાકિ પોલીસ દ્વારા ડ્રોન જોયા બાદ એને નીચે ઉતારવામાં આવ્યા હતા. આ મામલે અમદાવાદ ગ્રામીણ પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે.
આ બાબત નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી)ના પણ ધ્યાનમાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં કોઈ પણ હવાઈ ઉપકરણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં ડ્રોન ઉડાડવા માટે કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ સુપરિન્ટેન્ડન્ટ (અમદાવાદ ગ્રામીણ)ના જણાવ્યા મુજબ ડ્રોનને સ્થાનિક પોલીસ દ્વારા નીચે લાવવામાં આવ્યું હતું. પોલીસે આદેશોના ઉલ્લંઘન કરવા અંગેનો કેસ નોંધ્યો છે.
બે કિલોમીટરમાં વ્યાપને `નો ફ્લાઇંગ ઝોન' જાહેર કરાયો હોવા છતાં મુખ્ય માર્ગ પરથી ત્રણ વ્યક્તિ ડ્રોન કેમેરા દ્વારા શૂટિંગ કરી રહ્યા હતા. આ બાબતની જાણ થતાં પોલીસ દ્વારા તેમને ડ્રોન નીચે ઉતારવાનું કહેવામાં આવ્યું હતું. તેમની પાસેથી કોઈ પ્રતિબંધિત સામગ્રી મળી નહોતી.

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust