• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

આલિયા ભટ્ટના નાના નરેન્દ્રનાથ રાઝદાનનું અવસાન

બૉલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટના નાના નરેન્દ્રનાથ રાઝદાનનું 93 વર્ષની વયે અવસાન થયું છે. થોડા દિવસ અગાઉ તેમની તબિયત નાજુક થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આથી જ આલિયાએ આઈફા એવૉર્ડ્સ માટે અબુધાબી જવાનું રદ્દ કર્યું હતું. અભિનેત્રીએ નાનાના 92મા જન્મદિનનો વીડિયો શેર કરીને સોશિયલ મીડિયા પર આ સમાચાર જણાવ્યા હતા. આ વીડિયોમાં રણબીર કપૂર પણ જોવા મળે છે. આલિયાએ કેપ્શનમાં લખ્યું છે, મારા નાના, મારા હીરો, 93 વર્ષની ઉંમર સુધી ગોલ્ફ રમ્યા. 93 વર્ષની ઉંમર સુધી કામ કર્યું. શ્રેષ્ઠ આમલેટ બનાવી, શ્રેષ્ઠ વાર્તાઓ સંભળાવી, વાયોલિન વગાડયું અને મારી દીકરી સાથે રમ્યાં. મારું હૃદય દુ:ખથી ભર્યું છે. છતાં આનંદ તેમણે મારા માટે જે કર્યું તેનો છે. તેમની છત્રછાયામાં ઉછર્યા તેનો આભાર. 

ગયા અઠવાડિયે અબુધાબી જવા આલિયા એરપોર્ટ પહોંચી પણ નાનાની તબિયત લથડી હોવાના સમાચાર મળતાં તેણે જવાનો વિચાર માંડી વાળ્યો હતો. ગયા વર્ષે નાનાની નાદુરસ્ત તબિયતને લીધે જ આલિયા અને રણબીરના લગ્ન ઉતાવળે લીધા હતા. નરેન્દ્રનાથ રાઝદાન કાશ્મીરી પંડિત હતા અને અભ્યાસ માટે લંડન ગયા હતા. ત્યાં તેમની મુલાકાત ગર્ટુડ હોલ્ડર સાથે થઈ હતી. નરેન્દ્રનાથ ઉત્તમ વાયોલિનવાદક હતા અને તેમની વાયોલિનની ધૂન સાંભળીને ગર્ટુંડ પ્રેમમાં પડી હતી તથા બંનેએ લગ્ન કર્યાં હતા. લંડનમાં જ આલિયાની માતા સોનીનો જન્મ થયો હતો. ત્યાર બાદ રાઝદાન પરિવાર ભારત પરત આવ્યો હતો.