ટૉરન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં દીપા મહેતાની ડૉક્યુમેન્ટરી આઈ એમ સિરત પ્રશંસા પામી છે. આમાં દિલ્હીની ટ્રાન્સજેન્ડર મહિલાનું જીવન દર્શાવવામાં આવ્યું છે. પોતાની ત્રી તરીકે જીવવાની ઈચ્છા માતા, પરિણીત બહેન તથા અન્ય સગાઓની બદનામી ન થાય તે માટે મનમાં ધરબી દીધી હતી. વિધવા માતાનો તે એકમાત્ર આધાર હોવાથી સિરત તેમની સાથે દીકરી તરીકે જ રહેતી હતી અને ભાડેથી રૂમ લીધી હતી જ્યાં તે પોતાની મહિલા તરીકે રહેવાની ઈચ્છા પૂરી કરતી હતી. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ થયેલી તેની પંજાબી ગીતોની રિલ્સના ફોલઓર્સ વધ્યા ત્યારે તેને ડિજિટલ કન્ટેન્ટને દૂર કરવાની સગાઓએ ફરજ પાડી હતી. બાદમાં સરકારી વિભાગે તેને ટ્રાન્સજેન્ડર મહિલાનું સર્ટિફિકેટ આપ્યું ત્યારે તેના જીવનમાં વળાંક આવ્યો હતો.
દીપા મહેતાએ જણાવ્યું હતું કે, હું દિલ્હીમાં હતી ત્યારે સિરતે મને મળીને પોતાના જીવન પર ફિલ્મ બનાવવાનું કહ્યું હતું. મેં તેને કહ્યું હતું કે, આ તારી ફિલ્મ છે અને તારા દૃષ્ટિકોણથી જ તે રજૂ થવી જોઈએ. તું જ તેની શરૂઆત, મધ્ય અને અંતને ફિલ્માવજે. લયલા ફિલ્મમાં અમે સાથે કામ કર્યું હતું અને હું તેને સારી રીતે ઓળખું છું.