• બુધવાર, 29 નવેમ્બર, 2023

`કિસી કા ભાઈ કિસી કી જાન' આવે છે નાના પડદે  

બૉલીવૂડના ભાઈજાન સલમાન ખાનની એક્શન પૅક્ડ ફિલ્મ `કિસી કા ભાઈ કિસી કી જાન' પહેલી વાર ઍન્ડ ટીવી પર 25 નવેમ્બરે રાત્રે આઠ વાગ્યે પ્રસારિત થશે. ફિલ્મમા સલમાન ખાનના ત્રણ અલગ અલગ લૂક જોવા મળશે. આ સાથે અભિનેત્રી પૂજા હેગડે સાથેનો રોમાન્સ પણ જોવા મળશે. એક્શન અને રોમાન્સથી ભરપૂર આ ફિલ્મમાં પારિવારિક મૂલ્યો અને એકતાને સમજાવતી વાર્તા પર પણ વિશેષ ભાર મૂકાયો છે. સલમાન અને પૂજા હેગડે સિવાય આ ફિલ્મમાં ઓલિમ્પિક મેડલિસ્ટ બોક્સર વિજેન્દર સિંહ, વેંકટેશ દુગ્ગુબાતી, જગપતિ બાબુ, જસ્સી ગિલ, દિવંગત અભિનેતા સતિષ કૌશિક જોવા મળશે. ફિલ્મમાં સલમાન અને ભાગ્યશ્રીની ઝલક દર્શકોને તેમની 35 વર્ષ પહેલા આવેલી ફિલ્મ `મૈને પ્યાર કિયા' ની યાદ અપાવે છે. 

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પણ આ ફિલ્મનો ભાગ રહી ચૂકી છે. પલકે આ અંગે જણાવ્યું હતું કે, સલમાન સર સાથે ફિલ્મ કરવાનું મારું સપનું પૂરું થયું છે. આ ફિલ્મ મારા માટે હંમેશા વિશેષ રહેશે. ફિલ્મમાં કામ કરતી વખતે મને ખૂબ જ મજા આવી. ટીવી અભિનેતા સિદ્ધાર્થ નિગમે પોતાના અનુભવ શેર કરતાં જણાવ્યું હતું કે, `કિસી કા ભાઈ કિસી કી જાન' ફિલ્મમાં કામ કરવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. દર્શકો મને ટીવી સિરિયલના માધ્યમથી ઓળખે છે, પરંતુ ત્યાંથી મોડા પડદે મોટા કલાકારો સાથે કામ કરવું એ મારા માટે ગર્વની વાત છે.