કરણ જોહરના લોકપ્રિય રિયાલિટી ટૉક શો `કૉફી વિથ કરણ'ની આઠમી સિઝન શરૂ થયાની સાથે ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. નોંધનીય છે કે આ શોના અત્યાર સુધી ચાર એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા છે ત્યારે આગામી એપિસોડમાં અભિનેતા વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની જોડી દેખાશે. તાજેતરમાં આ એપિસોડનો પ્રોમો રિલીઝ થયો હતો તેમાં મહેમાન તરીકે `સ્ટુડન્ટ અૉફ ધ યર' ફિલ્મના અભિનેતાઓ વરુણ અને સિદ્ધાર્થ કરણ સાથે મસ્તી કરતાં જોવા મળ્યા હતાં. વીડિયોમાં કરણ જોહરે એક એક બનાવને શેર કરતાં જણાવ્યું હતું કે, લૉસ એન્જલેસમાં જ્યારે અમે `માઈ નેમ ઈઝ ખાન' ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતાં ત્યાં વરુણ ધવન ત્યાંની છોકરીઓ સાથે ફોટા પડાવવામાં વ્યસ્ત રહેતો હતો. આ સાંભળીને સિદ્ધાર્થે વરુણ તરફ ઈશારો કરીને કહ્યું હતું કે, વરુણ તે છોકરીઓને શાહરુખ ખાનની તસવીર વેચી રહ્યો રહ્યો હતો. આ વીડિયોમાં કરણ વરુણના અફેર્સ વિશે વાત કરે છે ત્યારે વરુણ ટોણો મારતાં કહે છે કે તમારા જ પિતાની એક ફિલ્મના પાત્રનું નામ હતું કે, શાદી રામ ઘરજોડ, પરંતુ અહીં તો કરણ જોહર ઘર તોડે છે.
કરણે સિઝનના પહેલા જ એપિસોડમાં રણવીર સિંહ અને દીપિકા પદુકોણના વ્યક્તિગત પ્રેમસંબંધો અંગે વાત કરી હતી દરમિયાન તે સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ પણ થયો હતો. તેમ છતાં કરણે ફરી એક વાર આવા પ્રકારનો સવાલ વરુણને પૂછ્યો હતો ત્યારે વરુણે કરણને ટોણો માર્યો હતો. શોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા કરણ અને વરુણ સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. જોકે, આગામી એપિસોડમાં સિદ્ધાર્થ અને વરુણના જીવનના હજુ કેટલા રહસ્યો ખુલે છે તે જોવું રસપ્રદ રહેશે.