• મંગળવાર, 06 જૂન, 2023

`ગુમ હૈ કિસી કે પ્યાર મેં' માંથી `સઈ' પણ જશે  

છેલ્લાં ત્રણ વર્ષથી ટીવી પર જોવા મળતી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં દર્શકોમાં લોકપ્રિય છે. સિરિયલમાં આવતા ઉતાર-ચડાવ સૌને પસંદ આવી રહ્યા છે અને ટીઆરપી ચાર્ટમાં પણ તે અગ્રક્રમે જોવા મળી છે. જોકે, હવે આ સિરિયલમાંથી જાણીતા ચહેરા જઈ રહ્યા છે. સૌથી પહેલા પાખીના પાત્રમાં જોવા મળતી ઐશ્વર્યા શર્માએ સિરિયલ છોડી અને હવે સઈ તથા વિરાટની ભૂમિકા ભજવતા કલાકારો અનુક્રમે આયશા સિંહ અને નીલ ભટ્ટ પણ સિરિયલ છોડી રહ્યા છે. 

હવે ગુમ હૈ કિસી કે પ્યાર મેંમાં થોડા વર્ષોનો જમ્પ આવવાનો છે. ત્યાર બાદ આયશા અને નીલ નહીં જોવા મળે. બંનેએ આ સિરિયલ છોડવાનો નિર્ણય લીધો છે કેમ કે તેમને જમ્પ બાદ મોટી ઉંમરનું પાત્ર ભજવવા માગતા નથી. હવે સિરિયલની આગળની વાર્તામાં સઈ અને પાખીના બાળકો મોટા થશે. બીજું આ બંને કલાકારોને મહેનતાણું પણ વધુ જોઈએ છે જેનો નિર્માતાએ ઈન્કાર કરી દીધો છે. જોકે, આયશાએ જણાવ્યું હતું કે, વાર્તા આગળ વધવા સાથે તે સિરિયલમાં જોવા નહીં મળે. ફી વધારવાની વાત ખોટી છે. 

ગુમ હૈ કિસી કે પ્યાર મેં સિરિયલ બંગાળી સિરિયલ કુસુમ ડોલા પરથી બનાવવામાં આવી છે. નિર્માતાનું કહેવું છે કે, અમે મૂળ વાર્તાને જ વળગી રહ્યા છીએ. આ જ કારણે સિરિયલમાં જમ્પ આવશે. સિરિયલના મુખ્ય કલાકારોમાં પણ ફેરફાર કરવામાં આવશે. વિરાટનો પરિવાર યથાવત્ રહેશે, જેમાં કિશોરી શહાણે, શૈલેષ દાતાર, ભારતી પાટીલ, શીતલ મૌલિક, તન્વી ઠક્કર અને વિહાન શર્માનો સમાવેશ થાય છે. 

આ મહિનાની શરૂઆતમાં પાખીની ભૂમિકા ભજવતી ઐશ્વર્યા શર્માએ સિરિયલ છોડી અને જણાવ્યું કે, મારો કોન્ટ્રેકટ પૂરો થયો છે. વળી મારા પાત્રની નેગેટિવ અસર મારા માનસિક સ્વાસ્થ્ય પર થઈ રહી હતી. આ અંગે મેં વાત કરીને થોડો સુધારો કરવાનું કહ્યું પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. 

હાલમાં ઐશ્વર્યા દક્ષિણ આફ્રિકામાં રિયાલિટી શો ખતરોં કે ખિલાડી -13નું શૂટિંગ કરી રહી છે.