• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

`ડબ્બાવાળા કિચન'માંથી ઘર જેવું ભોજન મગાવો!  

મુંબઈ, તા. 14 : મુંબઈનો 130 વર્ષ જૂનો ડબ્બા વિતરણ કાફલો તેના શહેરમાંના 5000 લંચ બૉક્સ પહોંચાડતા દંતકથા સમાન ડબ્બાવાળાઓ સાથે ન કેવળ આજે ટિફિન પહોંચાડે છે, પરંતુ ગયા સપ્તાહે શરૂ થયેલા તેના નવા અવતાર `ડબ્બાવાળા કિચન' દ્વારા ઘર જેવું ભોજન પણ પહોંચાડવા લાગ્યું છે. ચોથી પેઢીના ડબ્બાવાળાઓ બદલાયેલી વૈશ્વિક વ્યવસ્થા સાથે તાલ મિલાવી શકે તે માટે કિચન શરૂ કરવામાં આવ્યું છે અને અનુકૂળ આવે એવી વેબસાઇટ શરૂ કરવામાં આવી છે, જ્યાંથી કોઈ પણ ભોજન માટેનો અૉર્ડર આપી શકે છે. 

એમબીએની ડિગ્રી ધરાવતા 27 વર્ષના રિતેષ આંદ્રેએ કોવિડ મહામારી બાદ ક્લાઉડ કિચનનો વિચાર કેવી રીતે આવ્યો તે અંગે જણાવે છે કે, `ઘણા બધા લોકો ઘરમાંથી કામ કરી રહ્યા છે ત્યારે અમને લંચ બૉક્સ પહોંચાડવાના અમારા વ્યવસાયમાં મંદી જોવા મળી હતી. વધુ ગ્રાહકો સુધી કેવી રીતે પહોંચી શકાય તેનો કોઈ માર્ગ અમે શોધી રહ્યા હતા એટલે અમે રસોઈ બનાવવાનું અને ઘર જેવા ભોજનને પહોંચાડવાનું શરૂ કર્યું હતું.' શરૂઆતમાં અમે સાકીનાકા ખાતે એક સેન્ટ્રલ કિચન (મધ્યવર્તી રસોઈઘર) ઊભું કરવા માગતા હતા, પરંતુ પછી અમને અહેસાસ થયો હતો કે એક જગ્યાએથી આખા શહેરમાં ભોજનની ડિલિવરી કરવાનું પડકારરૂપ હતું એટલે અમે વધુ વિકેન્દ્રિત અભિગમ અપનાવ્યો હતો.

આંદ્રેએ જણાવ્યું હતું કે આ માટે ડબ્બાવાળાઓએ સેલ્ફ હેલ્પ ગ્રુપ (એસએચજી)ની મહિલાઓ સાથે મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં ભાગીદારી કરી છે અને શરૂઆતમાં વેસ્ટર્ન લાઇન માટે બોરીવલી ખાતે એસએચજીની 25થી 35 મહિલાઓ ભોજન તૈયાર કરે છે.

`અમે મહિલાઓને તેમની આજીવિકાની તક પૂરી પાડી રહ્યા છીએ અને સાથે સાથે સ્થાનિક ભોજન માટેની તેમની કાબેલિયતની કદર કરી રહ્યા છે.'રસોઈ કરતી મહિલાઓને હાથનાં મોજાં, એપ્રન, કૅપ, વગેરે સાધનો પૂરા પાડવામાં આવે છે. વેબસાઇટ પર અૉર્ડર મળ્યા બાદ ડબ્બાવાળાઓ સક્રિય થઈ જાય છે. અૉનલાઇન પેમેન્ટ સિસ્ટમ ઉપલબ્ધ છે.