• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓમાં પ્રમોટરોના હોલ્ડિંગમાં વૃદ્ધિ  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : અદાણી ગ્રુપે 16 અૉગસ્ટથી 14 સપ્ટેમ્બર દરમિયાન ગ્રુપની ત્રણ કંપનીઓમાં પ્રમોટરોના હોલ્ડિંગમાં વધારો કર્યો છે. સમયગાળા દરમિયાન ત્રણ કંપનીઓ અદાણી એન્ટરપ્રાઇસીસ, અદાણી પોર્ટસ અને અદાણી એનર્જી સોલ્યુસન્સની ઇક્વિટીમાં પ્રમોટરોના હોલ્ડિંગમાં 2.06થી 2.17 ટકાનો વધારો કર્યો છે.

અગાઉ માર્ચ અને જૂનમાં અદાણી ગ્રુપે ચાર કંપનીઓમાંના ઇક્વિટી હોલ્ડિંગ અમેરિકા સ્થિત ઇન્વેસ્ટર જીક્યુજી પાર્ટનર્સને વેચાણ કર્યું હતું. ઉપરાંત અદાણી ગ્રીન એનર્જીના હોલ્ડિંગનું વેચાણ કતાર ઇન્વેસ્ટમેન્ટ અૉથોરિટીને કર્યું હતું.

16 અૉગસ્ટથી 14 સપ્ટેમ્બર દરમિયાન અદાણી એનર્જી સોલ્યુસન્સમાં પ્રમોટરોએ ઇક્વિટી હોલ્ડિંગમાં 2.15 ટકાની વૃદ્ધિ કરી હતી. પ્રમોટર ગ્રુપની કંપની ગિલ્ટબેરી ટ્રેડ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટએ 2.40 કરોડ જેટલા શૅર્સ ખરીદ્યા હતા. શૅરની ખરીદી બાદ કંપનીમાં પ્રમોટરોનો હિસ્સો વધીને 72.56 ટકા થયો હતો.

અદાણી પોર્ટસમાં પ્રમોટર ગ્રુપની કંપનીઓ રિસરજન્ટ ટ્રેડ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ અને ઇમર્જિંગ માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ડીએમસીસીએ 4.70 કરોડ શૅરની ખરીદી કરી હતી. જે 2.17 ટકા જેટલો ઇક્વિટી હિસ્સો હતો. શૅરની ખરીદી બાદ પ્રમોટરોનો હિસ્સો વધીને 65.23 ટકા થયો છે.

કેમ્પસ ટ્રેડ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ અને ઇનફાઇનાઇટ ટ્રેડ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટએ અદાણી એન્ટરપ્રાઇસીસના 2.35 કરોડ શૅરની ખરીદી કરી હતી. જે 2.06 ટકા ઇક્વિટી હિસ્સા જેટલા છે.