• શનિવાર, 20 એપ્રિલ, 2024

અહમદનગરમાં ઉર્સના સરઘસમાં ઔરંગઝેબનાં પોસ્ટર ફરક્યાં, ચાર સામે ગુનો  

દેવેન્દ્ર ફડણવીસે આપી આકરી પ્રતિક્રિયા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : અહમદનગરના ફકીરવાડા વિસ્તારમાં રવિવારે આશરે સવા નવ વાગ્યે ઉર્સ નિમિત્તે કાઢવામાં આવેલા સરઘસમાં ઔરંગઝેબના પોસ્ટર ફરકાવીને કેટલાક યુવાનોએ ઔરંગઝેબના નામના નારા લગાવ્યા હતા. આ પ્રકરણે પોલીસે ચાર જણ સામે ગુનો નોંધવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પોલીસે ઔરંગઝેબના પોસ્ટર્સ લઈને નાચનારા સરફરાઝ ઇબ્રાહિમ ઉર્ફે સરફરાઝ જહાગીરકાર, સાદિક શેખ, શેખ સરવર અને જાવેદ શેખ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. શહેરના ફકીરવાડા વિસ્તારમાં આવેલી મસ્જિદમાં દર વર્ષે ઉર્સ નિમિત્તે સરઘસ કાઢવામાં આવે છે. આ વર્ષે સરઘસમાં ડીજે પણ રાખ્યું હતું. દરમિયાન કેટલાક યુવકોએ મોગલ બાદશાહ ઔરંગઝેબના પોસ્ટર ફરકાવીને ડાન્સ કર્યો હતો. આ  ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી.

આ પ્રકરણે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આકરી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ઔરંગઝેબના પોસ્ટર જે પણ વ્યક્તિએ ફરકાવ્યા છે તે અહીં માન્ય ગણાશે નહીં. આ દેશમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં અમારા આરાધ્ય દેવ છત્રપતિ શિવાજી મહારાજ અને ધર્મવીર છત્રપતિ સંભાજી મહારાજ છે. જો કોઈ ઔરંગઝેબનું નામ લેશે તો તેને માફી નહીં મળે.