• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

વિશ્વ પર્યાવરણ દિવસ : અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છમાં છવાઈ હરિયાળી

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 5 : મનુષ્ય જીવનની સફર લાકડાંના ઘોડિયાથી શરૂ થઈ ને લાકડાંની નનામીએ ખતમ થાય છે. કવિ કલીમર કહે છે કે કવિતાઓ તો મારા જેવા મૂર્ખાઓ રચે છે પણ વૃક્ષ તો કેવળ પરમેશ્વર જ રચી શકે.  

અદાણી ફાઉન્ડેશનમાં છેલ્લાં 15 વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કરસનભાઈ છેલ્લાં 10 વર્ષથી વૃક્ષારોપણની ઝુંબેશ ચલાવે છે અને તે પણ લોક ભાગીદારીથી. અત્યાર સુધી લગભગ એક લાખ જેટલાં વૃક્ષોના રોપણ અને ઉછેર એમણે કર્યો - કરાવ્યો છે અને આ વર્ષે તો એક જ વર્ષની અંદર 1 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ લઈ લીધો છે. બીજી જૂને અદાણી ફાઉન્ડેશને શરૂ કરેલા પ્રકૃતિ રથને જનતાનો તીવ્ર પ્રતિસાદ મળ્યો છે. કરસન એમના મિત્ર રાજુને લઈને પ્રકૃતિ રથમાં નીકળી પડ્યા છે. રોજ સવારે 8 વાગ્યાથી 1000 રોપાઓ લઈને નક્કી કરેલા ગામમાં જાય છે અને એ જ વ્યક્તિને આપે છે જે બાહેધરીપત્રક ભરે અને ખાતરી આપે કે વૃક્ષોનું લાલન પાલન કરીશું. 

આ અદ્ભુત ઝુંબેશમાં બાળકોથી લઈને ઉંમરલાયક વડીલો પણ ઉત્સાહથી ભાગ લઈ રહ્યાં છે. બપોર સુધીમાં 1000 રોપાઓ ખતમ થઈ જાય છે અને બપોર પછી બીજા 1000 રોપાઓ લઈને આ પ્રકૃતિ પ્રેમી નીકળી પડે છે. એમના આ ભગીરથ કાર્યમાં સરકારના સામાજિક વનીકરણ વિભાગનો અભિનવ સહકાર સાંપડ્યો છે. 50,000 રોપાઓ સામાજિક વનીકરણ વિભાગના વડાએ વિશ્વાસપૂર્વક આપ્યા છે. જેમાં લીમડો, પીપળો, ગરમાળો, ગુલમહોર, બોરડી, જાંબુ, પીલુડી, બદામ, શેતૂર, આસોપાલવ જેવાં વૃક્ષો છે. 

અદાણી ફાઉન્ડેશન આ ઉપરાંત વરસાદી પાણીના ટાંકા, ચેકડેમ, તળાવ ઊંડા કરવા, બોર રિચાર્જ, પ્રાકૃતિક ખેતીની વિવિધ તાલીમો, ખારેકના ટિસ્યુ કલ્ચર, બાયોગૅસ, પશુ પાલન શિબિર, પશુ આરોગ્ય કેમ્પ, વૈજ્ઞાનિક ઢબે ઘાસચારા ઉછેર અને ટપક પદ્ધતિમાં સહાય જેવા પર્યાવરણ અને જૈવ વિવિધતા માટેનાં કાર્યો કરે છે, જેમાં સરકાર, જનભાગીદારીની સાથેના ત્રિવેણી સંગમથી ધાર્યું પરિણામ મળી રહ્યું છે.