• બુધવાર, 29 નવેમ્બર, 2023

છગન ભુજબળે સાંતાક્રુઝમાં વૃદ્ધ દંપતીનો બંગલો પચાવી પાડયો : અંજલિ દમણીયા

અમે માનવતાના ધોરણે રૂા. 8.5 કરોડ આપવા તૈયાર : સમીર ભુજબળ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્રના અન્ન અને નાગરિક પુરવઠા ખાતાના પ્રધાન છગન ભુજબળે સાંતાક્રુઝમાં વયોવૃદ્ધ ફર્નાન્ડિસ દંપતીનો બંગલો પડાવી લીધા હોવાનો આક્ષેપ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતના મશાલચી અંજલિ દમણીયાએ કર્યો છે. છગન ભુજબળે આ આક્ષેપને મીડિયા સ્ટન્ટ કહીને રદિયો આપ્યો છે.

રાષ્ટ્રવાદીના મુંબઈ એકમના અધ્યક્ષ અને ભૂતપૂર્વ સાંસદ સમીર ભુજબળે અખબારી નિવેદન દ્વારા જણાવ્યું છે કે, છગન ભુજબળ અને અમે મહારાષ્ટ્રમાં ઓબીસી માટેની મોટી લડત લડી રહ્યા છીએ.

ઓબીસી માટે બે દિવસ પહેલાં મોટી સભા યોજાઈ હતી. તે સમયે અંજલિ દમણીયાએ મીડિયા સ્ટંટ કર્યો છે. તે બંગલા અંગે અમારે કશું જ આપવાનું રહેતું નથી, પરંતુ અમે માણસાઈના નામે વળતર આપવાની તૈયારી દેખાડી છે. આમ છતાં અંજલિ દમણીયા આ પ્રકરણમાં રાજકીય રોટલી શેકવા નીકળી પડયાં છે.

અંજલિ દમણીયાનો આક્ષેપ શું છે?

દમણીયાએ ગઈકાલે પત્રકારો સમક્ષ આક્ષેપ કર્યો હતો કે છગન ભુજબળે સાંતાક્રુઝમાં ડોરીન ફર્નાન્ડિસનો બંગલો પચાવી પાડયો છે. તેના વળતરનાં નાણાં 48 કલાકમાં ચૂકવવામાં નહીં આવે તો અમે ભુજબળના ઘરની બહાર ધરણા પર બેસશું.

દમણીયાએ ગઈકાલે ભુજબળના ઘરની બહાર પત્રકાર પરિષદ યોજવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસે તેમને રોક્યા હતા. બાદમાં દમણીયાએ પોતાના ઘરે પત્રકાર પરિષદ યોજી હતી. દમણીયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે ભુજબળનું ઉશ્કેરણીજનક ભાષણ સાંભળીને ઘણો ક્રોધ આવ્યો. તેમણે કહ્યું હતું કે, હું મહેનત કરીને ખાઉં છું. તેઓ કયા પ્રકારની મહેનતનું ખાય છે તે દેખાડવા માટે પત્રકારો સમક્ષ આવી છું. માનસિક રીતે સક્ષમ ત્રણ સંતાનો ધરાવતા ફર્નાન્ડિસ પરિવારને વર્ષ 1994માં બંગલાના પુનર્વિકાસના બદલામાં રાહેજાના પાંચ ફ્લૅટ મળવાના હતા, પણ હજી સુધી તેઓને એક રૂપિયો મળ્યો નથી. આ બંગલો રાહેજાને વેચવામાં આવ્યો હતો બાદમાં રાહેજાએ તે બંગલો ભુજબળની માલિકીની પરવેશ કન્સ્ટ્રક્શનને વેચ્યો હતો.

સુપ્રિયા સૂળેની મદદ માગવામાં આવી

અંજલિ દમણીયાએ વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રવાદીના શરદ પવારનાં સાંસદ દીકરી સુપ્રિયા સૂળેનો સંપર્ક સાધ્યો હતો. તેમણે આક્ષેપોની તપાસ કરીને માત્ર 30 સેકન્ડમાં પ્રતિસાદ આપ્યો હતો.

તે સમયે સૂળેએ મને વાય.બી. ચવ્હાણમાં કેટલીકવાર મુલાકાત સમયે બોલાવી તે સમયે સમીર ભુજબળ પણ હાજર રહ્યા હતા. સૂળેએ અલ્ટીમેટમ આપ્યું પછી સમીર ભુજબળે રૂા. 8.5 કરોડ જાન્યુઆરીમાં આપવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ પછી કશું થયું નહોતું. સમીર ભુજબળે જણાવ્યું હતું કે, તે બંગલો ઈડીએ જપ્ત કર્યો હોવાથી નાણાં આપી શકાય નહીં.