• બુધવાર, 29 નવેમ્બર, 2023

ડુંગરવાડીમાં પેવેલિયનનું રૂા. 85 લાખના ખર્ચે નૂતનીકરણ

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 19 : દક્ષિણ મુંબઈમાં મલબાર હિલ પરિસરમાં આવેલા પારસીઓની અંતિમવિધિના સ્થળ ડુંગરવાડીમાં ડાઘુઓ માટેના મોટા ઓરડા (પેવેલિયન)નું નૂતનીકરણ કરવામાં આવ્યું છે.

જમશેદજી રૂસ્તમની સેઠના મંડપનું નૂતનીકરણ તેમનાં ભાઈ-બહેન સાયરસ, દીનશો અને રાશનેહ પારડીવાલાએ તેમનાં માતા-પિતા રોડા અને નોશીર પારડીવાલાની સ્મૃતિમાં ર્ક્યું છે. આ શોકમગ્ન ડાઘુઓ માટેના ઓરડાના નૂતનીકરણ પાછળ રૂા. 85 લાખ ખર્ચવામાં આવ્યા છે. વર્ષ 1938માં બાંધવામાં આવેલા ઓરડાનું ગત 16મી નવેમ્બરે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે સમયે બૉમ્બે પારસી પંચાયતના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સ્નેટર ફૉર એન્વાયરમેન્ટ રિસર્ચ ઍન્ડ ઍજ્યુકેશનના સ્થાપક ડિરેક્ટર રાશનેહ પારડીવાલા ડુંગરવાડી પરિસરમાંના જંગલમાં વૈવિધ્યકરણ સુધારવા માટે વર્ષ 2015થી કામ કરી રહ્યા છે. આસપાસની `બંગલી'ઓનું નૂતનીકરણ થયું હતું ત્યારે રાશનેહ પારડીવાલા આ શોકમગ્ન ડાઘુઓ માટેના પેવેલિયનની કથળતી સ્થિતિ અંગે ચિંતિત હતા. તેમણે આ માટે બૉમ્બે પારસી પંચાયતને કરેલી વિનંતી સ્વીકારવામાં આવી હતી. મુંબઈ હેરીટેજ કમિટીએ આ પ્રકલ્પને મંજૂરી આપી પછી કોન્ઝર્વેશન આર્કીટેક કીર્તિ ઉનવાલાની દેખરેખ હેઠળ નૂતનીકરણની કામગીરી પાર પાડવામાં આવી હતી. ઉનવાલાએ જણાવ્યું હતું કે છાપરામાંના લાકડાંને નવેસરથી બેસાડવામાં આવ્યા હતા. તેની ઉપર મેન્ગલેટર ટાઈલ્સ બેસાડવામાં આવી હતી. ત્યાં સ્ટેઈન્ડ ગ્લાસ બેસાડવામાં આવ્યા છે. છાપરાનું કામ કેરળના મજૂરોએ ર્ક્યું હતું. કડિયા અને સુથાર રાજસ્થાનથી બોલાવવામાં આવ્યા હતા. એન્ટીક બત્તી લખનઊમાં બનાવડાવવામાં આવી હતી, એમ ઉનવાલાએ ઉમેર્યું હતું.

સ્ટેઈન્ડ ગ્લાસ માટે તે અંગેના નિષ્ણાત સ્વાતિ ચાંદગડકરની મદદ લેવામાં આવી હતી. ડાઘુઓ માટેના ઓરડાને છેડે નાનું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે ત્યાં `દોખમા'નું મોડલ અને માહિતીપ્રદ પોસ્ટરો મૂકવામાં આવ્યાં છે.