• બુધવાર, 29 નવેમ્બર, 2023

રિઝર્વ બૅન્કે ત્રણ મહિનામાં 9 ટન સોનાની ખરીદી કરી  

સોનાની કુલ અનામતો 806.70 ટન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાએ સપ્ટેમ્બર 2023માં પૂરા થયેલા ત્રણ મહિનાના સમયગાળામાં 9 ટન સોનાની ખરીદી કરી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ સપ્ટેમ્બર 2023માં પૂરા થયેલા ત્રિમાસિક સમયગાળામાં વિશ્વની સેન્ટ્રલ બૅન્કોએ 337 ટન સોનાની ખરીદી કરી છે.રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા પાસે સપ્ટેમ્બર 2023ના અંતે સોનાની કુલ અનામતો 806.70 ટન જેટલી છે. આરબીઆઈની માહિતી મુજબ 10 નવેમ્બર 2023ના રોજ આરબીઆઈ પાસે કુલ રિઝર્વ 590 અબજ ડૉલરનું રહ્યું છે. એમાંથી સોનાની અનામતોનું મૂલ્ય 45.50 અબજ ડૉલર જેટલું છે. કુલ રિઝર્વમાં એનો હિસ્સો 7.70 ટકાનો રહ્યો છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ આ વર્ષે અત્યાર સુધીમાં રિઝર્વ બૅન્કએ 19.30 ટન સોનાની ખરીદી કરી છે. રિઝર્વ બૅન્ક વર્ષ 2017થી એના કુલ રિઝર્વમાં સોનાનો ઉમેરો કરી રહી છે. ત્યારથી અત્યારસુધીમાં આરબીઆઈએ 248.90 ટન સોનાની ખરીદી કરી છે.29 સપ્ટેમ્બર, 2023ના રોજ રિઝર્વ બૅન્ક પાસે કુલ ફોરેક્સ રિઝર્વ 586.90 અબજ ડૉલરનું હતું. એમાંથી સોનાનું મૂલ્ય 43.70 અબજ ડૉલર જેટલું હતું. જે કુલ રિઝર્વના 7.44 ટકા હતું.

10 નવેમ્બરના રોજ કુલ રિઝર્વ 590 અબજ ડૉલરનું હતું. એમાં સોનાનું મૂલ્ય 45.50 અબજ ડૉલરનું હતું. જે કુલ રિઝર્વના 7.70 ટકા જેટલું છે. 88 ટકા રિઝર્વ ફોરેન કરન્સીમાં છે. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રણ મહિનામાં પીપલ્સ બૅન્ક અૉફ ચાઈનાએ 78 ટન સોનાની ખરીદી કરી છે, એનું સોનાનું કુલ હોલ્ડિંગ 2192 ટન થયું છે.નેશનલ બૅન્ક અૉફ પોલૅન્ડએ ત્રણ મહિનામાં 57 ટકા અને નેશનલ બૅન્ક અૉફ તુર્કીએ 39 ટન સોનાની ખરીદી કરી છે.