• બુધવાર, 29 નવેમ્બર, 2023

રિયાઝ ભાટી વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ

મુંબઈ, તા. 20 : મુંબઈ પોલીસે ભાગેડું ગુનેગાર છોટા શકીલના સાથીદાર રિયાઝ ભાટી વિરુદ્ધ ખંડણી કેસમાં એક સાક્ષીને ધમકી આપવાના આરોપમાં એફઆઇઆર નોંધી છે. ભાટી ખંડણી કેસમાં મુંબઈની જેલમાં બંધ છે, જેમાં શકીલના સંબંધી સલીમ ફ્રૂટ અને પાંચ અન્ય આરોપીઓ પણ છે. મુંબઈ પોલીસે આ મામલે મહારાષ્ટ્ર સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (મકોકા)ની સંબંધિત કલમ લાગુ કરી હતી અને હાલ તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. 

ખાર પોલીસે એફઆઇઆરમાં જણાવ્યું છે કે 43 વર્ષના બિઝનેસમેને આરોપ મૂકયો છે કે રાજેશ બજાજ નામના શખસનો તેને ફોન આવ્યો હતો અને ભાટી વિરુદ્ધ સાક્ષી નહીં આપવાની ધમકી આપી હતી. બજાજને બિઝનેસમેન ગત 10 વર્ષથી જાણે છે. આ વર્ષે અૉગસ્ટમાં બજાજે બિઝનેસમેનને ધમકી આપી હતી કે છોટા શકીલ ગૅંગ સાથે વેર લેશે તો પરિણામ ભોગવવા પડશે. પોલીસ અનુસાર ચોથી નવેમ્બરે ફરિયાદી કોર્ટમાં હાજર થવાનો હતો ત્યારે ભાટીનો તેને ફોન આવ્યો હતો કે અન્ય સાક્ષીદારોને પણ કહી દે કે મારી વિરુદ્ધ સાક્ષી ન આપે. તેણે આ તમામ વાતો રેકોર્ડ કરી પોલીસને સોંપી હતી. આ મામલે ભાટી અને અન્ય વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 195 એ, 506 (2) અને 34 હેઠળ એફઆઇઆર નોંધાઇ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.