પાલિકા પહેલી ડિસેમ્બરથી ઍક્શન મોડમાં
મુંબઈ, તા. 20 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગત દિવસોએ મુંબઈમાં પ્રદૂષણ ઉપર કાબુ મેળવવા માટે મુંબઇના એક હજાર કિમી રસ્તાઓને દરરોજ પાણીથી દોવાના આદેશ પાલિકાને આપ્યા હતા. પાલિકાએ પહેલી ડિસેમ્બરથી આ યોજનાની અમલબજાવણી કરવાની તૈયારી દર્શાવી છે. પાલિકાના એડિશનલ કમિશનર સુધાકર શિંદેએ જણાવ્યું હતું કે હાલ અત્યારે મુંબઈના લગભગ 267 કિમી રસ્તાઓ દરરોજ પાણીથી દોવાઇ રહ્યા છે. પાલિકાએ અત્યારે રસ્તાની ધુલાઇ માટે 150 ટેન્કર ભાડા ઉપર લીધા છે. સોમવારથી મુંબઈના 500 કિમી રસ્તાઓ ધોવાના પ્રયાસ થશે. પહેલી ડિસેમ્બરથી એક હજાર કિમી રસ્તાઓ ધોવામાં આવશે અને તેને માટે લગભગ 500 ટેન્કરોની જરૂર પડશે.
24 વૉર્ડના સહાયક કમિશનરોને પાણીની વ્યવસ્થા કરવા માટેના આદેશ અપાયા છે. મુંબઈમાં કુલ 2050 કિમી મેઇન રોડ છે, જેમાં આગામી દિવસોમાં એક હજાર કિમી રસ્તાઓ એક દિવસ છોડીને દરરોજ ધોવામાં આવશે. 24 વૉર્ડમાં 60 ફૂટથી વધુ પહોળાઇ વાળા રસ્તાઓ, વ્યસ્ત ફૂટપાથની સફાઇ અને ધૂલાઇનું કામ ઝડપથી થઇ રહ્યું છે. પાણીના ત્રોત માટે હાલ રિસાઇકલ, તળાવ, કૂવા, બોરવેલ જેવા સ્થાનિક ત્રોતનો ઉપયોગ થઇ રહ્યો છે.