• શનિવાર, 20 એપ્રિલ, 2024

ખાદ્યતેલની આયાત-જકાતમાં વધારો નહીં કરાય  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 24 : સ્થાનિક બજારમાં ખાદ્યતેલોના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં સરકાર ખાદ્યતેલો પરની આયાત-જકાતમાં વધારો કરવા માગતી નથી. રાયડાના તેલના ભાવમાં મોટો ઘટાડો થવાથી આયાત-જકાતમાં વધારો કરવાની રજૂઆત સોલવન્ટ એક્સ્ટ્રેર્ક્ટ્સ ઍસોસિયેશને મંત્રાલયને કરી હતી, પરંતુ સરકારે આયાત-જકાતમાં કાંઈ જ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે.

ખાદ્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ખાદ્યતેલોની ખાસ કરીને પામ, સોયાબીન અને સનફ્લાવર અૉઈલની આયાત-જકાતમાં વધારો કરવાથી એની અસર સ્થાનિક રિફાઈનરીઓ પર પડશે. ભારત એની ખાદ્યતેલોની કુલ જરૂરિયાતની આયાત ક્રૂડતેલની કરે છે. ભારત વાર્ષિક 140 લાખ ટન ખાદ્યતેલોની આયાત કરે છે. એમાં ક્રૂડ અૉઈલનો હિસ્સો 75 ટકા અને રિફાઈન્ડ અૉઈલનો હિસ્સો 25 ટકાનો હોય છે.

અત્યારે ક્રૂડ, પામ, સોયાબીન અને સનફ્લાવર તેલની આયાત પર માત્ર પાંચ ટકા ઈન્ફ્રા સેસ અને 10 ટકા એજ્યુકેશન સેસ લાગે છે. આમ કુલ ટૅક્સનું ભારણ 5.50 ટકા જેટલું છે. રિફાઈન્ડ તેલોમાં ટૅક્સનું ભારણ 13-75 ટકા જેટલું છે. અધિકારીએ જણાવ્યું હતું કે જો અત્યારે આયાત-જકાતમાં કાંઈ પણ ફેરફાર કરવામાં આવે તો એની પ્રતિકૂળ અસર રિફાઈનરીઓ પર થઈ શકે છે, કારણ કે કુલ આયાતમાં ક્રૂડતેલનો હિસ્સો વધારે છે.

સરકારે ક્રૂડ, પામ, સોયાબીન અને સનફ્લાવર પરની આયાત-જકાતમાં સપ્ટેમ્બર, 2022માં ઘટાડો કર્યો હતો. ડિસેમ્બર, 2022માં કન્સેશનલ ડયૂટીની સમયમર્યાદા લંબાવીને 31 માર્ચ, 2024 સુધી કરવામાં આવી હતી.

ગયા વર્ષની સરખામણીએ આયાતી પામ અૉઈલના ભાવમાં 50 ટકા, સોયા અૉઈલના ભાવમાં 47 ટકા અને સનફ્લાવર અૉઈલના ભાવમાં 56 ટકાનો ઘટાડો થયો છે.