• સોમવાર, 15 જુલાઈ, 2024

ફડણવીસ પર મોવડીમંડળનો વિશ્વાસ

લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપ નેતૃત્વ હેઠળની મહાયુતિને ભારે આંચકો લાગ્યો હોવા છતાં કેન્દ્રીય મોવડીમંડળ રાજ્યમાં હાલ નેતૃત્વ બદલ કરવાની મન:સ્થિતિમાં નહીં હોવાનું સ્પષ્ટ થયું છે. દિલ્હીમાં ભાજપની મહારાષ્ટ્રની સ્ટીયરિંગ સમિતિની બેઠક પછી પીયૂષ ગોયલે રાજ્યમાં નેતૃત્વ બાબતની ચર્ચાને પૂર્ણવિરામ આપતાં કહ્યું છે કે રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણી વર્તમાન નેતૃત્વમાં લડવામાં આવશે અને હાલના માળખામાં કોઈ બદલાવ નહીં થાય. ટેક્નિકલ દૃષ્ટિએ પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે અને વ્યવહારમાં  ફડણવીસના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવામાં આવશે સ્પષ્ટ થયું છે.

મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ગ્રાફ નીચે ગયો છે. પરિણામ આવ્યાં પછી રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ભાજપ કોના નેતૃત્વ હેઠળ લડશે એની ચર્ચા ચાલુ હતી. હવે મહારાષ્ટ્ર પૂરતી તો ફડણવીસના નામ પર કેન્દ્રીય મોવડીમંડળે મહોર મારી હોવાનું જણાય છે. ફડણવીસે લોકસભા ચૂંટણીમાં ભાજપની નિરાશાજનક કામગીરી પછી પોતાને સરકારમાંથી પદમુક્ત કરવામાં આવે એવી માગણી ભાજપ મોવડીમંડળને કરી હતી. મોવડીમંડળે ફડણવીસને પદ નહીં છોડવાનો આદેશ આપવાની સાથે વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગો એવો આદેશ આપ્યો છે.

રાજ્યમાં મહાયુતિ ફક્ત 0.3 ટકા મતોથી પાછળ રહી હોવાથી તેના આધારે ભાજપે વિધાનસભા માટે નવી વ્યૂહરચના તૈયાર કરી છે. આગામી ચૂંટણીમાં મહાયુતિના ત્રણે પક્ષો વધુ શક્તિથી લડશે એમ જણાવી ફડણવીસે રાજ્ય સરકારમાં ચૂંટણીને લઈ ચણભણ હોવાની ચર્ચાને પણ હાલપૂરતો વિરામ આપ્યો છે. કેન્દ્રીય મોવડીમંડળ રાજ્યની મહાયુતિને પડખે દૃઢતાથી ઊભું હોવાનું પણ ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું છે.

ફડણવીસને રાજ્ય પ્રધાન મંડળમાં ચાલુ રહેવા અને તેની સાથે પક્ષનું કામ કરવાનું પણ મોવડીમંડળે જણાવ્યું છે. લોકસભાની ચૂંટણી કરતાં વિધાનસભાની ચૂંટણીમાં ફડણવીસ માટે અનેક પડકારો હશે. ભાજપ અને સંઘ વચ્ચે થયેલું મનદુ: તેમ રાજ્ય સરકારમાં અજિત પવાર જૂથનો સમાવેશનો વિવાદ છે તે જલદી ઉકેલવો પડશે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ વિધાનસભા ચૂંટણી એકલે હાથે લડવાની ઘોષણા કરી છે ત્યારે વંચિત `બહુજન'ને સામેલ કરવી કે નહીં તે ઠરાવવું પડશે. મરાઠા અનામતના પ્રશ્ને પણ ફડણવીસે અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડશે એવું હાલ મહારાષ્ટ્રનું ચિત્ર છે.

લોકસભા ચૂંટણીનાં પરિણામ આવ્યાં પછી તેનું વિશ્લેષણ ભાજપ મોવડીમંડળે કર્યું હશે. એના આધારે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના કદ સમો બીજો કોઈ નેતા નહીં હોવાથી તેમના પર ફરી પૂર્ણ વિશ્વાસ મૂક્યો છે. મહારાષ્ટ્રમાં પક્ષના મતો ક્યાં વધ્યા, ક્યાં ઘટયા, ઘટયાનાં કારણો શું, કયા કયા મુદ્દાઓ પ્રભાવી રહ્યા હતા તે લક્ષમાં લઈ દેવેન્દ્ર ફડણવીસ ચૂંટણી જીતવા માટે નવી વ્યૂહરચના સાથે મહારાષ્ટ્રનો ખૂણેખૂણો ખૂંદી વળવાની ક્ષમતા દાખવશે તો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો ચોંકાવનારાં નક્કી હશે