• સોમવાર, 15 જુલાઈ, 2024

વિધાનસભા ચૂંટણીનું રણશિંગું

મહારાષ્ટ્રમાં બાર લોકસભા બેઠકો પર જીતનાર શિવસેના (ઉબાઠા જૂથ) ઉજવણી કરી રહ્યું છે. ઉબાઠાના ઉમેદવાર કૉંગ્રેસની વોટ બૅન્કને પગલે જીત્યા છે. કૉંગ્રેસના મતદાતાઓએ તેમને તાર્યા છે એવો ટોણો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ માર્યો છે તેમ મુસ્લિમ મતો મળવાને કારણે ઉદ્ધવ સેનાના ઉમેદવારો જીત્યા હોવાની ટિપ્પણ પણ તેમણે કરી છે. શિવસેનાના 58મા વર્ધાપન દિન નિમિત્તે વરલી ખાતે યોજાયેલા મેળાવડામાં શિંદેએ ઉદ્ધવ ઠાકરેની સેના પર રીતસરનો હુમલો બોલાવ્યો હતો. રાજ્યમાં શિવસેનાના મૂળ મતદાર 19 ટકા છે. તેમાંના 14.5 ટકા મતદાર આપણા થયા છે. તો તેમની પાસે ફક્ત 4.5 ટકા મતદાર રહ્યા છે. બાકીના મતો તેઓને કેવી રીતે મળ્યા, તે ક્યાંથી આવ્યા તે રાજ્યમાં બધા જાણે છે. તાત્પુરતો સોદો છે જે વિધાનસભામાં ઊલટાઈ જશે, એમ પણ શિંદેએ જણાવ્યું છે.

શિવસેનાના 58મા વર્ધાપન દિન નિમિત્તે ઉદ્ધવ ઠાકરે સેનાએ પણ વિધાનસભા ચૂંટણીનું રણશિંગું ફૂક્યું છે. વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાનું નામ, ધનુષ્યબાણ ચિહ્ન બાજુએ રાખી શિવસેના અધ્યક્ષનો ફોટો મૂકતાં ચૂંટણી લડો, અન્યથા વિજેતા તરીકે ફરો નહીં એવો પડકાર ઉદ્ધવ ઠાકરેએ ફેંક્યો છે. વર્ધાપન દિનની સભામાં ઠાકરેએ વડા પ્રધાન મોદીને પણ પડકાર ફેંકતાં કહ્યું છે કે, મોદી વિધાનસભાનો પ્રચાર અત્યારથી શરૂ કરે, મારા પિતાને બદલે શિંદેના પિતાનો ફોટો મૂકો, પછી હું છું અને તમે છો

ઉપરાંત, શિંદે-ઠાકરેએ એકબીજા પર ચૂંટણી હિન્દુત્વને લઈને પણ આક્ષેપો કર્યા હતા. શિંદેનું કહેવું છે કે, ઉદ્ધવ ઠાકરે સેનાએ હિન્દુત્વને તિલાંજલિ આપી જે લઘુમતીઓને બાળાસાહેબ ઠાકરેએ નજીક નહોતા કર્યા તેમના ખોળામાં જઈ ઉદ્ધવ બેઠા છે. ઠાકરેએ પ્રતિપ્રશ્ન કર્યો છે કે ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર શું હિન્દુત્વને વરેલા છે? આજે મોદીએ કેન્દ્રમાં તેમના સાથથી સત્તા બનાવી છે. જોકે, બંનેમાંથી એકે મહારાષ્ટ્રની હાલની સળગતી સમસ્યાઓ જેમ કે પાણીની, મરાઠા માટે અનામતની કે ખેડૂતોની અવદશા વિશે એકપણ શબ્દ ઉચ્ચાર્યો નહોતો. બન્ને પક્ષો સામે હવે લોકસભાની ચૂંટણીમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો નિર્ધાર દેખાતો હતો. જોતાં વિધાનસભાની ચૂંટણી બન્ને પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ હશે એવાં એંધાણ વર્તાઇ છે.

જોકે, એક જમાનામાં મૂળ શિવસેનાના વર્ધાપન દિનની ઉજવણી વેળા નેતાઓ-કાર્યકર્તાઓમાં જે જોમ અને જોશ જોવા મળતા તે વખતે બેમાંથી એક પણ પક્ષમાં દેખાયા નહોતા. વર્ધાપન દિનની ઔપચારિક્તા પાર પાડવા માટેનો પ્રસંગ હોવાનું જણાતું હતું. આમ છતાં બન્ને પક્ષના નેતાઓએ જે અંદાજમાં ભાષણો આપ્યાં તેને લઈ તેઓમાં હારનો બદલો લેવાની ભાવના વધુ જણાય છે. આમ છતાં બન્ને પક્ષો અત્યારથી વિધાનસભા ચૂંટણીની તૈયારી કરશે, કાર્યકર્તાઓને સક્રિય બનાવશે અને મહાયુતિ અને મહાવિકાસ આઘાડી ચાલુ રહેશે તો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનનો તાજ કોના માથા પર હશે એનો અંદાજ અત્યારે લગાડવો મુશ્કેલ છે.