• સોમવાર, 15 જુલાઈ, 2024

વિશ્વભરમાં હીટવેવનો કહેર

ભારત સહિત અનેક એશિયાઈ દેશો ભીષણ ગરમીના ભરડામાં છે. યુરોપ, અૉસ્ટ્રેલિયા, કૅનેડા, અમેરિકા જેવા શીત દેશોમાં પણ મોસમનું ચક્ર બદલાઇ રહ્યું છે. ત્યાં પણ તાપમાન વધી રહ્યું છે. એન્ટાર્ટિકા પર ગ્લૅશિયર પીગળવાની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. ઉત્તર ભારતનાં મોટા ભાગનાં રાજ્યો હીટવેવમાં સપડાયેલાં છે. દિલ્હીમાં પાણી અને વીજળીની અછતે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ભારતમાં દિલ્હી સહિત અનેક રાજ્યો તેમ વિસ્તારોમાં ગરમીએ કોહરામ મચાવ્યો છે. અનેક વિસ્તારોમાં ઉષ્ણતામાનનો પારો 50 ડિગ્રી વટાવી ગયો છે.

સાઉદી અરેબિયામાં ભીષણ ગરમીનું મોજું ફરી વળતાં મક્કામાં 1000થી વધુ હજયાત્રીઓનાં મોત થયાં છે. મૃતકોમાં ભારતના 70થી વધુ યાત્રીઓ છે. મક્કાની બહારના વિસ્તારમાં મીના ઘાટીના રઝા અલ ઝમારત એટલે કે શૈતાનને પથ્થર મારવાની ઘટના વેળા ગરમીના કોપથી વધુમાં વધુ યાત્રીઓએ જીવ ગુમાવ્યા છે. મૃત્યુ ગરમીથી નહીં પણ મક્કામાંની ગેરવ્યવસ્થાને કારણે થયા હોવા જોઈએ, કારણ કે હજયાત્રા માટે ખૂબ જૂજ બસો ઉપલબ્ધ હતી. જેને લઈ તેઓને બાવન ડિગ્રીમાં 40 કિલોમીટર પગપાળા પ્રવાસ કરવો પડયો હતો. બસો માટે કલાકોની રાહ જોવી પડતી હતી.

વર્ષમાં માર્ચથી 18મી જૂન સુધી ભારતમાં ભીષણ ગરમીએ 114 લોકોનો ભોગ લીધો છે, જ્યારે 40,984 લોકોને લૂથી ઝઝૂમવું પડયું છે. ગરમીથી ઉત્તર પ્રદેશ સૌથી પ્રભાવિત છે જ્યાં ભીષણ ગરમી અને લૂથી 37 જણનાં મોત થયાં છે. પછી બિહાર, રાજસ્થાન, ઓડિશામાં લોકોના જીવ ગયા છે. ઉત્તર અને પૂર્વ ભારતના મોટા ભાગના વિસ્તારો લાંબા સમયથી ભીષણ લૂની લપેટમાં છે, જેનાથી તાપઘાતથી થનારાં મોતમાં વૃદ્ધિ થઈ રહી છે. ભારત સરકાર રાજ્યોના સતત સંપર્કમાં છે અને દૈનિક રિપોર્ટ મળી રહ્યા છે.

પાકિસ્તાન, ભૂતાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઈલૅન્ડ, માલદીવ, મલેશિયા, સેશેલ્સ અને પૂર્વ એશિયાના કેટલાક દેશોમાં ભીષણ ગરમી પડી રહી છે. ગરમીથી થતાં રોગ વધી રહ્યા છે, લૂ ચાલી છે, લોકોનાં મોત થયાં છે. અનેક દેશોમાં તો હાલમાં અત્યાધિક ગરમ મોસમ દેખાતાં કહેવામાં આવી રહ્યું છે કે શું પૃથ્વી લોકોના જીવિત રહેવા માટે ખૂબ ગરમ થઈ રહી છે? શું આના માટે ઝડપથી થઈ રહેલા જળવાયુ પરિવર્તન જવાબદાર છે?

ગરમીના સંપર્કમાં અત્યાધિક સમય સુધી રહેવું સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. પછી તે વીજળી યંત્રમાં કોલસો હોય કે વાહનમાં ગેસોલીન, જે કાર્બન ડાઇઓક્સાઇડ બનાવે છે. અદૃશ્ય ગૅસ વાયુમંડળમાં બને છે અને સૂરજની ગરમીને પૃથ્વીની સપાટી પાસે રોકી લે છે. કોલસો, અૉઇલ કે ગૅસનો દરેક ટુકડો જ્યારે પણ સળગાવવામાં આવે છે, તાપમાનમાં થોડો વધારો કરે છે જેમ જેમ તાપમાન વધી રહ્યું છે, ભયજનક રીતે ગરમ અને આદ્ર, મોસમ અધિક સ્થાનો પર ફેલાય છે. જળવાયુ પરિવર્તન ફક્ત ગરમ પરસેવાવાલા મોસમની સરખામણીમાં ખૂબ અધિક સમસ્યા પેદા કરે છે. આપણે જો પૃથ્વીને ગરમ થતાં બચાવવા ઇચ્છતા હોઇએ, તો કાર્બન ઉત્સર્ગના દરેક સ્રોતને બંધ કરવા પડશે કે ન્યૂનતમ કરવા પડશે. ગ્રીન ઍનર્જીને અપનાવવી જોઈએ, ક્વૉલિટી વિકાસ પર ધ્યાન આપવું પડશે. દુનિયાએ કાર્બન ઉત્સર્જન રોકવાની દિશામાં તત્કાળ પગલાં લેવાનાં રહેશે