• સોમવાર, 15 જુલાઈ, 2024

વિકાસ યોજનાઓમાં વિલંબ

મુંબઈમાં બ્રિટિશ યુગમાં બંધાયેલા અનેક પુલ આજે સાબૂત છે અને પુલની દુરસ્તીની આવશ્યક્તાને લક્ષમાં લઈ કેટલાક પુલોનું પુન: નિર્માણ હાથ ધરવામાં આવે છે ત્યારે બિહારમાં એક અઠવાડિયાથી ઓછા સમયમાં ત્રણ નિર્માણાધીન પુલ તૂટી પડયા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં બિહારમાં સાત પુલ તૂટ્યા છે. એક પછી એક પુલ તૂટી પડવા દર્શાવે છે કે પુલના નિર્માણમાં ઉતરતી કક્ષાની સામગ્રીનો ઉપયોગ થયો છે અને જવાબદાર લોકો આંખ મીંચીને બેઠા છે. કમાલ છે કે કરોડોના એસ્ટીમેટથી પુલોનાં નિર્માણ થાય છે. તે પછી પણ પુલ તૂટી પડે તો સમગ્ર પ્રક્રિયાના પાયામાં ભ્રષ્ટાચાર હોવાનું પુરવાર થાય છે. ક્યારેક કોઈ પુલનું તૂટી પડવું અકસ્માત હોઈ શકે છે, પરંતુ નિર્માણ દરમિયાન અથવા નિર્માણ પછી તુરંત પુલ તૂટી પડે તે ભ્રષ્ટાચારની પુષ્ટિ કરે છે. બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમાર કદાચ કડક શાસન કરવામાં પાછા પડી રહ્યા છે. તેમની સરકારમાં લગાતાર પુલો આવી રીતે તૂટી પડે તે નાક તળે પોષાઇ રહેલા ભ્રષ્ટાચારનો સંકેત આપી રહ્યા છે

બિહાર સરકારે પુલ સહિત બધાં વિકાસ કાર્યોની ઊંડી સમીક્ષા કરવી જોઈએ, નિર્માણની ગુણવત્તા માટે ઉચ્ચ સ્તરના પેરામીટર બનાવવા જોઈએ. ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા દોષીઓને સજા સુનિશ્ચિત થવી જોઈએ. આવી રીતે પુલો તૂટતા રહ્યા તો નીતિશ સરકારની છબી ભ્રષ્ટ સરકારની બની જશે. ખાસ વાત છે કે બિહારમાં કેન્દ્ર સરકારની પણ કેટલીક મોટી યોજનાઓ ચાલી રહી છે. જો સ્થાનિક સ્તર પર ભ્રષ્ટાચાર વધે તો આનાથી સરકારી પ્રતિષ્ઠા સાથે આવકને નુકસાન થઇ રહ્યું છે. રસ્તા, પુલ જેવી સાર્વજનિક સુવિધાનો ઉપયોગ કરનારાઓને જાનમાલનું નુકસાન થાય છે. ગંભીર મામલો છે. આને સરકારે અને નિર્માણ કરનારી સરકારી એજન્સીઓએ ગંભીરતાથી લેવો જોઈએ. આવી મૂળભૂત માળખા ક્ષેત્રની 150 કરોડ રૂપિયા કે આનાથી અધિક ખર્ચાવાળી 458 દેશમાંની યોજનાઓનો ખર્ચ વર્ષના મે સુધીના અનુમાનથી 5.71 લાખ કરોડ રૂપિયાથી વધુ વધી ગયો છે.

એક રિપોર્ટમાં જણાવ્યું છે કે વિલંબ અને અન્ય કારણોને લઈ યોજનાઓનો ખર્ચો વધ્યો છે, જ્યારે 831 અન્ય યોજનાઓનું કામ વિલંબે ચાલી રહ્યું છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે વિલંબથી ચાલી રહેલી 831 યોજનાઓમાંથી 245 યોજનાઓ 25થી 60 મહિના, 188 યોજનાઓ 13થી 24 મહિના, 271 યોજનાઓ 25થી 60 મહિના અને 127 યોજનાઓ 60 મહિનાથી વધુ વિલંબથી ચાલી રહી છે. 831 યોજનાઓના વિલંબની સરેરાશ 35.1 મહિના છે. વિકાસ યોજનાઓ સમયસર પૂર્ણ થવી આવશ્યક છે. આનાથી ખર્ચો વધવાના રૂપમાં સરકાર પર વધારાનો બોજો નહીં વધે. યોજનાઓમાં વિલંબ પાછળ પણ ભ્રષ્ટાચાર એક કારણ છે. વિકાસ યોજનાઓમાં ભ્રષ્ટાચારની વિરુદ્ધ આકરા નિયમ બનાવવા અને લાગુ કરવા પડશે