• સોમવાર, 15 જુલાઈ, 2024

રાહુલજી, ગુજરાતમાં સરકાર તોડવા પહેલાં કૉંગ્રેસને જોડવી જરૂરી

લોકસભાના વિપક્ષી નેતા બન્યા પછી પહેલીવાર ગુજરાત આવેલા રાહુલ ગાંધી સુષુપ્ત રહેલી કૉંગ્રેસમાં ચેતનાનો સંચાર કરી ગયા તેવી માન્યતા સતત વ્યક્ત થઈ રહી છે. વિરોધ પક્ષ જાગૃત થાય તે આવકાર્ય છે. પ્રજાના પ્રશ્નોના ઉકેલ લાવવા માટે વિપક્ષી નેતા કે કાર્યકર્તા પ્રયાસ કરે તેનાથી રૂડું શું? પરંતુ તેમાં પણ દિશા, નિશ્ચિતતા અને હેતુ તો સ્પષ્ટ હોવા જોઈએ. રાહુલની ગુજરાત મુલાકાત પછી અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. અહીં આવ્યા પછી તેમણે જે વાત કરી તેની અત્યારે પ્રસ્તુતતા કેટલી હતી? શું તેઓ અગત્યના મુદ્દાને બદલે ફંટાઈ ગયા?  

ગત શનિવારે અમદાવાદ આવેલા રાહુલ ગાંધીએ કૉંગ્રેસના કાર્યકર્તાઓને બબ્બર શેર કહ્યા. કૉંગ્રેસ કાર્યાલય પર જે હુમલો થયો તેના સંદર્ભે તેમણે કહ્યું કે, ભાજપે અૉફિસ તોડી, અમે સરકાર તોડશું, પરંતુ પ્રશ્ન એ છે કે, અત્યારે ક્યાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે કે સરકાર તોડવાની વાત આવે? આ તો `ભેંસ ભાગોળે...' જેવું થયું. રાહુલ અલબત્ત રાજકીય ઉદ્દેશથી જ આવ્યા હતા તે સ્પષ્ટ છે, પરંતુ અત્યારના સંજોગોમાં સરકાર તોડવાનો સંકલ્પ વ્યક્ત કરવાનો કોઈ અવકાશ છે? 

સ્થાનિક કે વિધાનસભાની ચૂંટણીમાં જીતવું હશે તો કૉંગ્રેસે સંકલિત અને સંગઠિત થવું પડશે. રાહુલના આગમન વખતે અને થોડા સમય પહેલાં રાજકોટમાં અપાયેલા બંધના એલાન સમયે જ ગુજરાત કૉંગ્રેસનાં અમુક જૂથના નેતાઓ સક્રિય નહોતા. ચૂંટણીની વાત કરતાં પહેલાં, ભાજપ પર આક્રમણ કરતાં પહેલાં કૉંગ્રેસે પોતાનો ગઢ વધારે મજબૂત બનાવવો પડશે. ચૂંટણીમાં ભાજપને હરાવશું તેવું કહેવા માટે હજી સમય છે. તે પહેલાં વેરવિખેર થઈ ગયેલી પાર્ટીને પુન:ગઠિત કરવી પડશે. કૉંગ્રેસના મોટા મોટા નેતા ભાજપમાં જોડાઈ ગયા છે તેનું મનોમંથન કેમ ન થયું, શું રાહુલે નેતાઓ અને કાર્યકર્તાઓને આવી કોઈ શીખ આપી? રાહુલનું વક્તવ્ય તો તે વિષય પર હોવું જોઈતું હતું. ભાજપની સરકાર તોડવા પહેલાં કૉંગ્રેસને જોડવી જરૂરી છે.

લોકસભામાં પોતે હિન્દુઓ વિશે જે કહ્યું તે ખરેખર શું કહેવા માગતા હતા તેવી સ્પષ્ટતા કરવા માટે તેમને આ એક મોકો હતો તે પણ ચુકાઈ ગયો. 

ગુજરાતની વિવિધ દુર્ઘટનાઓના પીડિતોને તેઓ રૂબરૂ મળ્યા. આ સારું પગલું હતું. અસરગ્રસ્તોના ઘા પર મલમ લગાવવાની વાત હતી. તેમને મળીને વિગતો જાણી, પરંતુ તે વાત જે રીતે લોકો સુધી પહોંચાડવાની હતી તે રીતે પહોંચી નહીં. પીડિતો માટે કૉંગ્રેસ કરશે શું? કાર્યકર્તાઓને સંબોધન કરતાં રાહુલે વિવિધ ઉચ્ચસ્તરીય પરીક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હોત, ગુજરાતની યુનિવર્સિટીઓમાં દેખાતી ક્ષતિઓ વિશે વાત કરી હોત તો પ્રજાને પણ એવું લાગત કે કોઈ હવે આપણા માટે બહાર નીકળ્યું છે. અયોધ્યામાં ભાજપના પરાજયની વાત અહીં કરવાથી કૉંગ્રેસને લાભ થવાની શક્યતા નથી અને ગુજરાત ભાજપનો અજેય ગઢ છે એ રાહુલે ભૂલવું જોઇએ નહીં. લોકસભા ચૂંટણીમાં વિપક્ષોના સારા દેખાવ છતાં ગુજરાતમાં કૉંગ્રેસ 26માંથી એક જ બેઠક મેળવી શકી છે એ યાદ રહે.

 અહીં અગ્નિકાંડ જેવી ઘટના બની છે. નીટ-નેટનો વિવાદ છે ત્યારે ગુજરાત આવ્યા છતાં મૂળ મુદ્દો કદાચ રાહુલ ચાતરી ગયા, અવસર ચૂક્યા મેહુલાની જેમ.