• સોમવાર, 15 જુલાઈ, 2024

મૉસ્કોમાં વડા પ્રધાન મોદી

ત્રીજી વખત સત્તા સંભાળ્યા પછી પ્રથમ દ્વિપક્ષીય વિદેશ મુલાકાત માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાની પસંદગી કરી છે. છેલ્લા બે કાર્યકાળ વખતે એમણે પ્રથમ વિદેશ મુલાકાત માટે પડોશી દેશોની પસંદગી કરી હતી. સ્પષ્ટ છે કે ચીનના વૈશ્વિક પડકારો ગંભીર છે. રશિયા-યુક્રેન યુદ્ધે જ્યાં તમામ દેશોનાં અર્થતંત્ર અને વ્યાપારને પ્રભાવિત કર્યા છે, હમાસ ઇઝરાયલ જંગે યુદ્ધ લંબાઈ જતું હોવાની ગંભીર સ્થિતિ સર્જી છે. રશિયાની મુલાકાતથી વડા પ્રધાને ક્રેમલિનને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે ભારત વિશ્વાસુ મિત્ર દેશનું મહત્ત્વ સમજે છે.

ભારત અને રશિયાના સર્વોચ્ચ નેતાઓની છેલ્લી વાર્ષિક શિખર બેઠક 2021માં થઈ હતી, પુતિન નવી દિલ્હી આવ્યા હતા. ત્યાર પછી બન્ને નેતાઓની બેઠક નથી થઈ શકી. બન્ને દેશોના સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહી છે. જ્યારે યુક્રેન પર આક્રમણ કરવાના કારણે રશિયા વિરુદ્ધ તમામ વ્યાપાર નિયંત્રણો છતાં ભારતે પશ્ચિમી દબાણને ગણકાર્યા વિના રશિયન અૉઇલ ખરીદવાનું ચાલુ રાખ્યું, અને વધુ અૉઇલ આયાત કર્યું.

વડા પ્રધાનની હાલની મુલાકાતે પશ્ચિમને સંદેશ આપ્યો છે કે ભારતની વિદેશનીતિ સ્વતંત્ર છે અને પોતાના રાષ્ટ્રીય હિતોથી સંચાલિત છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાનની મૉસ્કો મુલાકાત સમયે થઈ છે, જ્યારે રશિયા વિરોધી નાટો સમૂહની અમેરિકામાં બેઠક થઈ રહી છે. ભારતની વિદેશનીતિ રાષ્ટ્રહિત કેન્દ્રી છે અને અમેરિકા-રશિયા સાથે સમતોલ સંબંધ જાળવે છે. અમેરિકા સાથે ભારતના સંબંધો છેલ્લા બે દશકામાં ઘણા સુધર્યા છે અને વૉશિંગ્ટન પણ ભારતની અનિવાર્યતા સ્વીકારે છે.

જ્યાં સુધી રશિયાનો પ્રશ્ન છે, તો તેની સાથે ઊર્જા, સંરક્ષણ, વ્યાપાર, રોકાણ, સ્વાસ્થ્ય, શિક્ષણ-સંસ્કૃતિ, પર્યટન વગેરે અનેક ક્ષેત્રોમાં ભારતના ગાઢ સંબંધ છે અને બદલાતા વૈશ્વિક સંજોગોમાં નવેસરથી ચર્ચા આવશ્યક છે. નિ:સંદેહ, ભારત દરેક દેશના સાર્વભૌમત્વના શુચિતાના તરફેણકારોમાંથી એક રહ્યું છે અને માટે યુક્રેન પર રશિયાના હુમલાનું ક્યારે પણ સમર્થન નથી કર્યું. વડા પ્રધાન અનેક પ્રસંગે બન્ને પક્ષો વચ્ચે મંત્રણા શરૂ કરવાની આવશ્યકતા પર ભાર મૂકી ચૂક્યા છે.

રશિયા, ચીન અને ઇરાનની વધતી નિકટતા પર પણ ભારતની ચાંપતી નજર છે. વિશ્વયુદ્ધના ભણકારા સંભળાઈ રહ્યા છે. વિશ્વ બે છાવણીઓમાં દુશ્મનની જેમ વહેંચાઈ રહ્યું છે ત્યારે `અલિપ્ત' રહીને ભારતે અલગ સ્થાન જાળવ્યું છે તેથી ભારત વચ્ચે પડીને સમજૂતી કરાવી શકે એવી સ્થિતિમાં છે. પુતિને મોદીને આવકાર્યા તે પાછળ ભારતની `સર્વમિત્ર' ભાવના અને સમજાવટની શક્તિનો સ્વીકાર છે. આવામાં ક્રેમલિને પણ બીજિંગની સાથે પોતાના સંબંધોની પટકથા લખતી વેળા ભારતીય હિતો અને ચિંતાઓનો ખ્યાલ રાખવો જોઈએ.