• સોમવાર, 15 જુલાઈ, 2024

મુંબઈગરાના `સ્પિરિટ'ની કસોટી

મુંબઈ શહેર અને પરાંઓમાં રવિવારે રાતથી થયેલા વરસાદે મુંબઈને પૂરથી બેહાલ કરી દીધી. પાણી ભરાશે નહીં, શહેર અટકશે નહીં એવા મહાપાલિકા અને રેલવે તંત્રના દાવા મોસમના પહેલા મુશળધાર વરસાદમાં વહી ગયા. અનેક સ્થળોએ પાટા પર પાણી ભરાતાં રેલવે સેવા ખોરવાઈ ગઈ તો શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા. જનજીવન ખોરવાઈ ગયું. મધ્ય રેલવેની અનેક લોકલ ટ્રેનો રદ થતાં નોકરિયાત વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો.

 દેશની આર્થિક રાજધાની મુંબઈને ફક્ત ગણતરીના કલાકોમાં વરસાદે આપણી આખી વ્યવસ્થાની પોલ ખોલી દીધી છે. મુંબઈની લાઈફલાઈન કહેવાતી લોકલ કેટલાક રૂટ પર અટકી ગઈ, સોમવારની સવાર હતી, અૉફિસનો પહેલો દિવસ હતો, લોકો તૈયાર થઈને ઘરેથી નીકળ્યા અને અૉફિસ પહોંચવા કલાકોનો `વ્યાયામ' કરવો પડયો. વિધાનમંડળની કાર્યવાહી પણ કેટલાક કલાકો માટે રોકવી પડી. શાળાએ જવા નીકળેલાં બાળકો અડધે રસ્તેથી ઘરે પાછા ફર્યાં. વૉટ્સઍપના જમાનામાં પણ સૂચના સમયસર નહીં પહોંચી શકી. મુખ્ય પ્રધાન સહિત તમામ ટોચના અધિકારીઓ હાંફળા-ફાંફળા થઈ પાલિકાના ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ પહોંચીને સ્થિતિનો જાયજો લેવા લાગ્યા હતા.

જૂની બિલ્ડિંગોનાં રિડેવલપમેન્ટ તો થઈ રહ્યાં છે, પરંતુ મોટા ભાગે સિંગલ બિલ્ડિંગ તરીકે વિકસિત થઈ રહી છે. એટલે કે એક પ્લૉટ પર 40 કુટુંબ છે, તો પ્લોટ પર 80 કુટુંબ રહેશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના બોજનો કોણ વિચાર કરશે? નાળાં, ડ્રેનેજ, પાર્કિંગ શું બમણી ક્ષમતાથી બનાવવામાં આવ્યાં છે? કલસ્ટર યોજનાઓ કેમ સફળ નથી થઈ રહી? વધતી એફએસઆઈના બોજા તળે દબાઈ રહેલા મહાનગર - મુંબઈને લઈ પ્લાનિંગનો અભાવ શા માટે છે? શા માટે આને લઈ રોડમૅપ નથી તૈયાર કરવામાં આવતો?

શહેરનાં 20 વર્ષનાં ડેવલપમેન્ટ પ્લાનની જેમ નાળાં, કચરા, ગાર્ડન સહિત અન્ય વિભાગો માટે પણ 20 વર્ષના માઈક્રો સ્તર પર રોડમૅપ કેમ નથી બનાવવામાં આવતા? અૉફિસરો બદલાતાં પ્રાધાન્યતા શા માટે બદલાઈ જાય છે? વર્ષોથી પાણી ભરાતાં વિસ્તારોમાં કાયમી ઉકેલ માટે આટલો બધો સમય શા માટે લાગે છે? જો હિન્દમાતામાં અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવીને સમસ્યા હલ કરી શકાતી હોય તો, બાકીનાં સ્થળોએ શા માટે નહીં?

ચૂંટણીમાં તમામ મુદ્દાઓની વચ્ચે `ક્વૉલિટી અૉફ લાઈફ' પર ચર્ચા શા માટે નથી થતી? આમાં સુધારા વિના સ્થિતિ કેવી રીતે સુધરશે? ગ્રીન મુંબઈ, આઈ લવ મુંબઈ - આપણું ગૌરવ છે. પણ ઇઝ અૉફ લીવિંગ - જનજીવન સરળ બન્યા છે ખરાં? ફિર વોહી રફ્તાર - આવી હરકતો આવ્યા કરે - જીવનની ગાડી ચાલ્યા કરે - હસતા મોઢે આવી હરકતો - પરેશાનીઓ પાર કરવાનો સ્વભાવ મુંબઈગરાનો છે. આદત પડી ગઈ છે! હડતાળ અને બંધનો યુગ વિદાય થયો પણ કુદરતના પડકાર સામે જ્ઞાન, વિજ્ઞાન અને સાધનો સાથે આપણે કેવા લાચાર છીએ. સમસ્યા દરેક વરસાદમાં રસ્તા પર થઈ જતા ખાડાઓ જેવી છે, જે ક્યારે પણ ખતમ થતી નથી દેખાતી. પણ જો આપણી ઈચ્છા શક્તિ હોય કે કંઈ કરીએ તો નક્કી કોઈ હલ અવશ્ય મળશે. નહીં તો દરેક વરસાદમાં મુંબઈગરાની કસોટી નક્કી છે