• શનિવાર, 20 એપ્રિલ, 2024

વિકાસપંથે મહારાષ્ટ્રની હરણફાળ  

મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ સરકારે રાજ્યના ખેડૂતો, શ્રમિકો અને મહિલાઓ પર હેત વરસાવતાં પ્રધાનમંડળની બેઠકમાં ત્રણ મોટા નિર્ણયો લીધા છે. ખેડૂતોને ડબલ ગિફ્ટ આપવાનો નિર્ણય લેવાની સાથે શ્રમિકો માટે નવી શ્રમ નીતિ અને મહિલાઓ માટે વિશેષ પર્યટન નીતિની ઘોષણા કરવામાં આવી છે. આગામી લોકસભા ચૂંટણીને લક્ષ્યમાં લઈ લોકોને લોભાવનારી ઘોષણાઓ મહત્ત્વની છે. 

પ્રધાનમંડળે ફક્ત એક રૂપિયામાં ખેડૂતોને ફસલ વીમા યોજનાનો લાભ આપવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત રાજ્યમાં નમો કિસાન મહાસમ્માન નિધિ યોજના પણ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી છ હજાર રૂપિયા મળતા હતા. એવી જ રીતે હવે રાજ્ય સરકાર પણ ખેડૂતોને છ હજાર આપશે. આ નિર્ણયથી રાજ્યના લગભગ એક કરોડ ખેડૂતોને લાભ થશે.

પ્રસ્તાવિત મહિલા કેન્દ્રિત પર્યટન નીતિ અંતર્ગત મહિલાઓને પર્યટન ક્ષેત્રમાં વધુને વધુ રોજગાર ઉપલબ્ધ કરાવવાની પહેલ કરવામાં આવશે. કેટલાંક પર્યટન સ્થળોએ મહિલાઓની બાઈક ટૅક્સી સેવા શરૂ કરવાને મંજૂરી આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે 1થી 8 માર્ચ વચ્ચે એમટીસીના બધા રિસોર્ટમાં મહિલા પર્યટકોને અૉનલાઈન રિઝર્વેશનમાં 50 ટકા સવલત અપાશે. રાજ્ય સરકારે શ્રમિકોની સુરક્ષા, સ્વાસ્થ્ય, કામ કરવાની સ્થિતિ સંબંધમાં શ્રમ નીતિને મંજૂરી આપી છે. આનાથી લાખો શ્રમિકોનાં હિતોની રક્ષા થશે. 100 કરતાં વધુ શ્રમિકો હોય તે કારખાનાઓમાં કેન્ટિન અને 50 શ્રમિકો કરતાં વધુ હોય તે કારખાનાઓમાં મહિલાઓ માટે પારણાંઘર સુવિધા હવે બંધનકારક બનાવવામાં આવી છે.

રાજ્યમાં અને વિશેષ કરીને વિદર્ભમાં કપાસ ઉત્પાદક ક્ષેત્રમાં રોકાણ વધારવા માટે પ્રોત્સાહન આપવા નવી વત્રોદ્યોગ નીતિને માન્યતા આપવામાં આવી છે. આ નીતિથી વત્રોદ્યોગમાં 25 હજાર કરોડનું રોકાણ થશે તેમ જ પાંચ લાખ રોજગાર મળવાનું ટાર્ગેટ રાખવામાં આવ્યું હોવાથી આ માટે મહારાષ્ટ્ર રાજ્ય વત્રોદ્યોગ વિકાસ મહામંડળની સ્થાપના કરવામાં આવશે. રાજ્યમાં છ ટેક્નિકલ વત્રોદ્યોગ પાર્ક સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત આગલાં પાંચ વર્ષમાં કપાસની પ્રક્રિયા ક્ષમતા 30 ટકાથી 80 ટકા વધારવામાં આવશે. મોટી કૉટન મિલોના પુનર્વસન માટે આ મિલોને ભાડાં પર આપવા તેમ જ સહકારી રૂ-કૉટન મિલોની વધારાની જમીન વેચાણ માટે પરવાનગી આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

સહકારી સંસ્થાઓનું કામકાજ અસરકારક બને તે માટે હવે પછી નિક્રિય સભ્યોને સંસ્થામાં મતદાન તેમ જ ચૂંટણી લડવાથી અટકાવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ લેવાયો છે. સહકારી સંસ્થામાં ઈજારાશાહી કાયમ રાખવા માટે સંસ્થાઓના બધા જ સભ્યોને ચૂંટણી અને મતદાનનો અધિકાર આપતો મહાવિકાસ આઘાડી સરકારનો નિર્ણય રદ કરીને સરકારે કૉંગ્રેસ-રાષ્ટ્રવાદીને આંચકો આપ્યો છે. આઘાડી સરકારના અગાઉના નિર્ણયથી  પાંચ વાર્ષિક સભામાં હાજર હોય એવા સભ્યને પણ ચૂંટણી લડવાનો તથા મતાધિકાર આપી અનેક સહકારી સંસ્થાઓ તાબામાં લેવાનો વ્યૂહ હતો, પણ કૉંગ્રેસ તથા રાષ્ટ્રવાદી સફળ નહોતા થયા.

માહિતી ટેક્નૉલૉજી ક્ષેત્રના અધિકાધિક ઉદ્યોગ મહારાષ્ટ્રમાં આવે એ માટે આ ક્ષેત્ર પર સુવિધાઓનો વરસાદ વરસાવતી નવી ઈર્ન્ફોમેશન ટેક્નૉલૉજી નીતિને મંજૂરી અપાઈ છે. કંપનીઓને બાંધકામ માટે વધારાની એફએસઆઈ, સ્ટૅમ્પ ડયૂટી તેમ જ વીજ શુલ્કમાં સવલત, નવી ટેક્નૉલૉજીને પ્રોત્સાહન એવી અનેક પ્રકારની ઘોષણા આ નીતિમાં કરવામાં આવી છે. માહિતી ટેક્નૉલૉજી ક્ષેત્રમાં ઉદ્યોગોને મહારાષ્ટ્રમાં લાલ જાજમ ઉપલબ્ધ કરાવી 95 હજાર કરોડનું રોકાણ, 10 લાખ કરોડની નિકાસ અને 35 લાખ રોજગાર નિર્માણ કરવાનું ધ્યેય સરકારે રાખ્યું છે.