• ગુરુવાર, 18 એપ્રિલ, 2024

ઉનાળાની `ભઠ્ઠી'માં મુંબઈ!  

મુંબઈમાં બધાં ઔદ્યોગિક એકમો, કાર્યાલયો, ઘરોમાં વીજળીનો વપરાશ હાલ ભારે પ્રમાણમાં વધ્યો છે. તેને લઈ વીજળીની માગ પણ વધી છે, પરિણામે વીજળીની માગે ઉચ્ચાંક નોંધાયો છે. આ પહેલાં 19 એપ્રિલે સાડા ત્રણ હજાર મેગાવૉટ વીજળીની માગની નોંધ થઈ છે. બુધવારે મુંબઈમાં લગભગ 3968 મેગાવૉટ જેટલી વીજળીની સર્વાધિક માગ હતી. 

મુંબઈ સહિત થાણે, રાયગઢ, પાલઘર જિલ્લા અને નવી મુંબઈમાં પણ વીજળીની માગ ઘણી વધી છે, પરંતુ ત્યાં વીજળી માગણીનું સ્વતંત્ર તંત્ર નહીં હોવાથી પ્રત્યેક વિસ્તારમાં કેટલી માગણી વધી છે તે જાણી નથી શકાયું, મુંબઈમાં તો અંધેરી, ગોરેગામ અને વિલેપાર્લા, ઘાટકોપર, પવઈ વિસ્તારમાં બુધવારે વીજપુરવઠો ખંડિત થતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તાપમાન સરેરાશ 34 અંશ હોવા છતાં ભેજનું પ્રમાણ ભારે પ્રમાણમાં હોવાથી ઉકળાટ વધુ અસહ્ય બન્યો હતો.

મુંબઈ શહેર જિલ્લામાં `બેસ્ટ' દ્વારા વીજપુરવઠો કરવામાં આવે છે. તાતા અને અદાણી દ્વારા પૂર્વ અને પશ્ચિમનાં પરાંમાં વીજપુરવઠો થાય છે. મહાવિતરણ દ્વારા ભાંડુપ અને મુલુંડને વીજ પૂરી પાડવામાં આવે છે. મુંબઈની વીજળીની માગ સામાન્ય રીતે ત્રણ હજાર 500 મેગાવૉટ હોય છે. તે અનુસાર વીજપુરવઠો કરવામાં આવે છે, પણ ઉનાળામાં આ માગણી ચાર હજાર મેગાવૉટ વટાવી જાય છે. વધતી વીજળીની માગ પૂરી કરવા માટે અદાણી દ્વારા દહાણુના પાવર પ્લાન્ટની વીજળી લેતાં જ કરાર અનુસાર બીજાં સ્થળોએથી પણ વીજળી લેવામાં આવે છે. તાતા દ્વારા ટ્રૉમ્બે પ્લાન્ટથી વીજપુરવઠો કરવામાં  આવે છે. તાતા પાવર દ્વારા બેસ્ટને પણ વીજપુરવઠો કરવામાં આવે છે. આમ છતાં હવે લાગે છે કે મુંબઈમાં ઉનાળામાં જે રીતે વીજળીની માગ વધી રહી છે અને તે વધતી જશે તો મુંબઈને વીજળી પૂરી પાડવા માટે આ કંપનીઓ માટે મુશ્કેલ બની શકે છે.

ઉનાળામાં ઔદ્યોગિક એકમો, ઘર, કાર્યાલયમાં દિવસભર પંખા, એસી, કૂલર્સ ચાલુ હોય છે. હૉટેલો, મૉલ, મોટા શૉ રૂમો, ગગનચુંબી ઈમારતોમાં તો રાતભર વીજળીનો વપરાશ ચાલતો હોય છે. મુંબઈની ટ્રાફિક સમસ્યા ઉકેલવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવ્યા, પણ તેની સામે એટલા જ પ્રમાણમાં વાહનો વધ્યાં જેને લઈ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ નથી આવી શક્યો. એવી જ રીતે કંપનીઓ વીજળી પૂરી પાડે છે, પણ મુંબઈમાં રોજ રોજ નવી હૉટલો, શૉ રૂમો અને નવી બિલ્ડિંગો ઊભી થતાં તેઓને પણ વીજળી પૂરી પાડવામાં આવતી હોવાથી વીજળીની માગણી અને પુરવઠો સમાન રાખવાનું મુશ્કેલ બન્યું છે, હવે તેમાં સમતોલ સાધવામાં વીજ કંપનીઓની કસોટી થવાની છે.

હવે મે મહિનો પૂરો થયો, છતાં મેઘગર્જના સાથે મેઘરાજાની છડી પોકારાઈ નથી. આ માટે આંદામાનમાં અટવાયેલું મૉન્સૂન, મૉન્સૂનનું વિલંબથી આગમન અને અલ નીનોનું વર્ષ કારણભૂત હોવાનું હવામાન સૂત્રોનું કહેવું છે. આ સાથે મુંબઈ સહિત મહારાષ્ટ્રનું તાપમાન વધવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે ત્યારે વીજળીનો વપરાશ વધવાનું નિશ્ચિત હોઈ મુંબઈગરાઓને અચાનક વીજળી વેરણ થવાની સ્થિતિનો સામનો કરવાનો આવે તો નવાઈ નહીં!