• શનિવાર, 20 એપ્રિલ, 2024

રાહુલનો અંધવિરોધ  

રાહુલ ગાંધી વિદેશી ધરતી ઉપર ભારત વિરોધીઓના ખોળામાં અથવા ખભા ઉપર બેસીને મોદી તથા ભારતને ભાંડવા માટે જાણીતા છે. પૂર્વ આયોજિત હોય છે. રાહુલ ગાંધીએ કૅલિફોર્નિયામાં ઇન્ડિયન ઓવરસીઝ કૉંગ્રેસ દ્વારા આયોજિત `મોહબ્બત કી દુકાન' કાર્યક્રમમાં ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર મનફાવે તેવી બેફામ ટીકા વરસાવી પોતે સેક્યુલર છે એમ બતાવવા માટે મોદી દ્વારા `સાષ્ટાંગ દંડવત'ની હાંસી ઉડાવી અને મુસ્લિમો ઉપરાંત ખ્રિસ્તી, આદિવાસી, દલિત વર્ગને અન્યાય - અત્યાચાર થતા હોવાના આક્ષેપ કર્યા, ભારતમાં એવા લોકો છે જે માને છે કે તેઓ ભગવાન કરતાં વધુ જાણે છે અને ભગવાનને પણ `ભણાવી' - સમજાવી શકે છે! વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમાંના એક છે. તેમણે કહ્યું કે, આજે ભારતની વિચારધારા ભયમાં છે. આજે જે મુસ્લિમોની સાથે થઈ રહ્યું છે તે છેલ્લી સદીના એંસીના દશકામાં દલિતો સાથે થતું હતું. રાહુલે કહ્યું કે જો વિપક્ષ વ્યવસ્થિત રીતે ગઠબંધન કરે તો ભાજપને હરાવી શકાય છે, કૉંગ્રેસ આના માટે કામ કરી રહી છે. 

રાહુલ ગાંધી જે સમયની વાત કરી રહ્યા છે તે સમયે તો દેશમાં અને ઉત્તર પ્રદેશમાં પણ કૉંગ્રેસની સરકારો હતી એટલે કે રાહુલ ખુદ વિદેશમાં સ્વીકાર કરી રહ્યા છે કે જ્યારે કૉંગ્રેસનું શાસન હતું ત્યારે દલિતો અને લઘુમતીઓ પર અત્યાચાર થતો હતો. નરેન્દ્ર મોદીએ દેશમાં સાંપ્રદાયિક વોટ બૅન્કની રાજનીતિ ખતમ કરી દીધી છે અને સબ કા વિકાસથી મુસ્લિમ સમુદાય પણ ભારતની પ્રગતિનો હિસ્સો બની રહ્યા છે તે રાહુલજી માટે અસહ્ય છે. દુનિયામાં ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વધી છે તેથી અહંકારી ગાંધી-નેહરુ પરિવારનો ઉન્માદ વધી જતો લાગે છે. દુનિયા મોદીને `બૉસ' કહી રહી છે તે કૉંગ્રેસને પેટમાં ચૂંક ઉપડે છે!

રાહુલ ગાંધી ભલે નફરતના બજારમાં મોહબ્બતની દુકાન  ખોલવાનો દાવો કરી રહ્યા હોય, પરંતુ આ દુકાનથી તેઓ જે નિવેદનો કરી રહ્યાં છે તે વિભાજનકારી, ઉશ્કેરણી કરનારાં અને ભારતવિરોધી શક્તિઓને બળ આપનારાં છે. રાહુલે આવાં જ નિવેદનો કેટલાક સમય પહેલાં લંડન મુલાકાતમાં પણ કર્યાં હતાં ત્યારે પણ તેમની ભારે ટીકા થઈ હતી, પરંતુ સ્પષ્ટ છે કે એમને પરવા જ નથી! કાશ્મીરને લઈને એમણે કરેલાં કેટલાંક નિવેદનોને તો પાકિસ્તાન અને ચીન પોતાની ઢાલ બનાવી ચૂક્યા છે. રાહુલ ગાંધીને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, પરંતુ પોતાના બોલની શું અસર થશે તેનું ભાન નથી અથવા તો જાણીબૂઝીને ભારતની બદનામી કરી રહ્યા છે. એમની પાસે આશા રાખવાનો કોઈ અર્થ નથી. કારણ કે મોદીવિરોધ અંધવિરોધમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે અને ભારતવિરોધ બની ગયા છે. રાહુલ ગાંધીનું તાજું નિવેદન એ વાતની પુષ્ટિ કરે છે કે, કૉંગ્રેસ મુસલમાનોનાં મનમાં કાલ્પનિક ભયનું ભૂત ઊભું કરી તેમના વોટ હાંસલ કરવાની પોતાની જૂની નીતિ પર ઊતરી આવી છે.