• બુધવાર, 24 એપ્રિલ, 2024

રાઉતની જબાનને લગામ ક્યારે?  

ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને શ્રીકાંત શિંદે વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેઓ `ઓન કૅમેરા' થૂંક્યા હતા! તેમનું આ કૃત્ય ઘૃણાસ્પદ અને નિંદનીય છે. કોઈપણ રીતે સમર્થન કરી શકાય નહીં. રાઉતે છેલ્લાં ત્રણ વર્ષમાં અપશબ્દોને `રાજમાન્યતા' અપાવી દીધી લાગે છે! ટીવી ચૅનલો સમક્ષ બોલતાં તેઓ કોઈપણ સંયમ રાખતા નથી. બેલગામ જીભ દાખવતાં રાઉત આ કૃત્ય માટે બચાવ કરતાં કહે છે કે, `હું થૂક્યો નહોતો, દાંતની સમસ્યાને લઈ મારે દાંતમાં ખટકતું કંઈ બહાર કાઢવું પડયું હતું.' 

રાઉતના વર્તનના વિરોધમાં રાષ્ટ્રવાદીના નેતા અજિત પવારે ટિપ્પણ કરી તો રાઉતે તેમને તેમના જૂના બોલાયેલા અપશબ્દોની યાદ અપાવી પોતાનો બચાવ કર્યો હતો. હવે પોતાના વર્તાવનો રાજ્યભરમાં જોરદાર વિરોધ થતો જોઈ રાઉત કહે છે કે, મોઢાથી થૂંક્યો જ છું ને! લઘુશંકા તો નથી કરી ને? આમ રાઉત લાજવાને બદલે પોતાનો બીભત્સ રીતે બચાવ કરી રહ્યા છે. જે બન્યું તે ખેદજનક હતું એમ પણ કહી રહ્યા છે.

કૅમેરાની સામે રાઉતે થૂંકવાનું જે પ્રદર્શન કર્યું તેનો વિરોધ કરતી એકાદ અખબારી યાદી પણ કોઈ પત્રકાર સંગઠને બહાર નથી પાડી! આવાં માધ્યમોની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. દરેક માધ્યમ કોઈને કોઈ પક્ષનું મુખપત્ર હોય છે. કેટલાંક ઘોષિત તો કેટલાંક અઘોષિત હોય છે એટલે તેનું મહત્ત્વ ઓછું થતું નથી. લોકશાહીના ચોથા સ્તંભ તરીકે માધ્યમોને જોવામાં આવે છે પણ રાજકારણમાં રાઉતની કનિષ્ઠ માનસિક્તાનો સમયસર વિરોધ નહીં કરવાને લઈ બધાં જ માધ્યમોને શંકાની દૃષ્ટિએ જોવામાં આવે છે. 90ના દશકમાં શિવસેના અધ્યક્ષ બાળાસાહેબ ઠાકરેની પત્રકાર પરિષદમાંથી વૉકઆઉટ કરી જવાની હિંમત મીડિયા પ્રતિનિધિઓએ દાખવી હતી. હવે આવી હિંમત કેમ દાખવાય નહીં તે પ્રશ્ન છે.

રાઉત પોતાને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ શરદ પવારના અનુયાયી ગણાવે છે. તેઓ ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રવક્તા હોવા છતાં પવારને પોતાના આદર્શ માને છે અને અનેક વેળા તેઓ જાહેરમાં બોલ્યા છે. આવા સમયે દેશના જ્યેષ્ઠ નેતા શરદ પવારે પોતાની રાજકીય જ્યેષ્ઠતાનો ઉપયોગ કરી રાઉતને ટપારવા જોઈતા હતા. ખરી રીતે તો પવારે રાઉતનો કાન આમળી તેમને શાણપણ શીખવવાની આવશ્યક્તા હતી, પણ પવાર હંમેશ પ્રમાણે હાથમાં ઘડિયાળ પહેરી બેઠા છે. પવાર જેવા જ્યેષ્ઠ નેતાએ લીધેલી ભૂમિકા શોભનીય નથી જ. મહાવિકાસ આઘાડીના શિલ્પી અને વડીલ જેવા પવાર જો રાઉતને કંઈ ન કહી શકતા હોય તો આ કમનસીબી જ છે.

ઇ-પેપરના નવા શુલ્ક