રોહિત શર્માની ભારતીય ક્રિકેટ ટીમે દેશવાસીઓની દિવાળી આનંદમય બનાવી છે. ભારતીય ક્રિકેટના મક્કા મનાતા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂ ઝીલૅન્ડ પર 70 રનથી વિજય મેળવી વર્લ્ડ કપ ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ વિજય મધુર બનતો હોય તો વિરાટ કોહલીની વિક્રમી 50મી વન ડે સદી અને મોહમ્મદ શામીની ભેદક બૉલિંગને કારણે. જેને રમત અને યુવાન પેઢી લાંબા સમય સુધી યાદ રાખશે.
એ ભૂલવું નહીં જોઈએ કે વિરાટ કોહલી આ અગાઉ પણ ભારતના વર્લ્ડ કપમાં સામેલ હતા. તેઓ એકલા એવા ખેલાડી છે જેણે 2011ની વિજેતા ટીમનું પણ પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ 2023ના વર્લ્ડ કપમાં એક ખેલાડીના રૂપમાં વિરાટની વિરાટ વાપસીનો જયઘોષ છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી તેમના ફોર્મ અંગે ઊલટસૂલટ ચર્ચાઓ ચાલતી હતી. વિરાટે વન ડેમાં સચીનની 49 સદીનો વિક્રમ તોડી 50મી સદી ફટકારી છે. સચીને આ સફળતા પર ખુશી વ્યક્ત કરી છે પરંતુ ધ્યાનમાં રહે ટેસ્ટ ક્રિકેટમાં સચીનની 51 સદી છે, જ્યારે કે વિરાટની 29. અર્થ એ થાય છે કે વિરાટે હજુ ઘણું આગળ જવાનું છે.
વિરાટ ભારતીય ક્રિકેટ પેઢીનો પ્રતિનિધિ તો છે જ. હવે એકદમ યુવા પેઢી સાથે પણ તેમનો ઊંડો તાલમેલ એ ટીમને એક એવા સ્થાને પહોંચાડે છે જ્યાં કદાચ ભારતીય ક્રિકેટને જવા નથી મળ્યું. આ એક ઊંડા અભ્યાસનો વિષય છે કે ભારતીય ક્રિકેટમાં બદલાવની શરૂઆત મોહમ્મદ અઝહરુદ્દીનથી થઈ હતી કે સૌરવ ગાંગુલી કે મહેન્દ્રસિંહ ધોનીથી? હવે આ સૂચિમાં એક નામ વિરાટ કોહલીનું જોડાઈ ગયું છે. તેઓ ભારતીય ક્રિકેટમાં એક એવી રેખા ખેંચી રહ્યા છે, જેને જોઈ હંમેશાં ભારતીયોને ગર્વની અનુભૂતિ થશે.
સામાન્ય રીતે મૅચમાં વિજય માટે બૉલરોને જોઈએ એવું મહત્ત્વ નથી મળતું, પરંતુ મોહમ્મદ શામીએ 57 રનમાં 7 વિકેટો લઈ ન્યૂ ઝીલૅન્ડની કમર તોડી નાખી. `મૅન અૉફ ધ મૅચ' મેળવી બૅટ્સમૅનોની સાથે બૉલરોની મહત્ત્વતા પુરવાર કરી છે. શામીએ આ વર્લ્ડ કપમાં ત્રીજી વેળા પાંચ કે તેનાથી વધુ વિકેટો લીધી છે. આમ વન ડેમાં તેમણે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. કેન વિલિયમસનના નેતૃત્વમાં જ ન્યૂ ઝીલૅન્ડે 2019માં વન ડે વર્લ્ડ કપની સેમિ ફાઈનલ અને 2021ના વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલમાં ટીમ ઇન્ડિયાને હરાવ્યું હતું, પરંતુ આ વેળા ઘરઆંગણે રોહિતની ટીમે તેઓને ભોંયપછાડ આપી છે.
બૅટિંગ, બૉલિંગ અને કેટલાક અપવાદ બાદ કરતાં ફિલ્ડિંગમાં ટીમે ગજબની કામગીરી બજાવી છે. પછી કે. એલ. રાહુલના ચાર કે રવીન્દ્ર જાડેજાના ત્રણ કૅચ હોય. રોહિતે ન્યૂ ઝીલૅન્ડના બૉલરો બોલ્ટ અને ટીમ સાઉધીની શરૂઆતથી જ લાઈન અને લેન્થ બગાડી દીધી હતી તે ભૂલવું ન જોઈએ. શ્રેયસ ઐયરની સદીની પણ નોંધ લેવી રહી. આ ઉપરાંત રોહિત શર્માના નેતૃત્વમાં ટીમમાં ક્યાંય ઊણપ નથી દેખાઈ. એકંદરે વર્લ્ડ કપ સેમિ ફાઈનલમાં ટીમ સ્પિરિટે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આમ ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપ જીતવા ભણી એક પગલું ભર્યું છે. આ પગલું વિરાટ બને તે માટે શુભેચ્છા.