• મંગળવાર, 06 જૂન, 2023

પરિણીતપ્રેમી પર ભરોસો ભારે પડયો; સગર્ભા વિધવાએ જીવન ટૂંકાવ્યું 

ભાર્ગવ પરીખ તરફથી 

અમદાવાદ, તા. 25 : `હું મારી દીકરીને પહેલેથી ના કહેતો હતો કે રૂપેશ દગો દેશે, પણ મારી વિધવા દીકરી માની નહિ. પોતાના પહેલા પતિથી થયેલા બાળક માટે રૂપેશ સાથે સંબંધ રાખ્યો, એના ઘરે રહેતી હતી અને એ સગર્ભા થઇ, એટલે નોકરી છોડી પછી એને માનસિક ત્રાસ આપ્યો કે મારી દીકરીને આપઘાત કરવો પડયો,' આ શબ્દો છે પોલીસ સ્ટેશનમાં બેઠેલા ઘરડા બાપ જાનાભાઈ લહેરના.  

છ સંતાનના પિતા જાનાભાઈના ચાર સંતાનનાં લગ્ન થયાં હતાં, વચલી દીકરી કુસુમનાં લગ્ન પછી એને એક દીકરો હતો. કુસુમ 24 વર્ષની થઇ ત્યારે એના પતિ જયરામનું એક્સિડંટમાં મૃત્યુ થયું હતું. જાનાભાઈ પોતાની દીકરીને ઘરે લઇ આવ્યા. એક દીકરાની માતા વિધવા કુસુમે પોતાના ખેતમજૂર પિતાને મદદ કરવા સુરતમાં નોકરી શરૂ કરી. એના દીકરાને ભણવા સ્કૂલમાં મૂક્યો.  

જાનાભાઈએ જન્મભૂમિ સાથેની વાતચીતમાં કહ્યું કે, એ સુરત નોકરી કરતી હતી એ સમયે એની સાથે નોકરી કરનાર રૂપેશ સાથે એનો પરિચય થયો. મારી દીકરી વિધવા અને એક દીકરાની જવાબદારી એટલે રૂપેશે ભોળવીને એને પ્રેમમાં ફસાવી. અમે તપાસ કરી તો ખબર પડી કે રૂપેશ પરણેલો છે અને એક દીકરીનો બાપ છે. એની પત્ની લક્ષ્મી પવાર સાથે રહે છે, પણ પ્રેમમાં અંધ થયેલી મારી દીકરીએ રૂપેશ સાથે સંબંધ તોડવાની અમારી વાત માની નહિ, રૂપેશ સાથેના સંબંધથી એ ગર્ભવતી થઇ અને રૂપેશ  સાથે રહેવા જતી રહી. એ ગર્ભવતી હોવા છતાં નોકરી કરતી હતી, એ કમાતી હતી ત્યાં સુધી રૂપેશ અને એની પત્ની લક્ષ્મી એને સાચવતા હતા, સાતમા મહિને એને નોકરી છોડવી પડી પછી એને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું, જેના કારણે મારી દીકરીએ આપઘાત કરી લીધો. 

આ કેસની તપાસ કરી રહેલા સાપુતારા પોલીસ સ્ટેશનના અધિકારી જે.એમ. વાળવીએ જન્મભૂમિ સાથેની વાતચીતમાં કહ્યું કે, અમે રૂપેશ અને એની પત્નીની અટક કરી તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો રૂપેશના પિતા સુરેશ પવારે જન્મભૂમિ સાથેની વાતચીતમાં કહ્યું કે, કુસુમ કેટલાક મહિનાથી મારા દીકરા સાથે રહેવા આવી ગઈ હતી, પણ એ અમારાથી અલગ રહે છે એટલે એના ઘરમાં શું ચાલતું હતું એની અમને ખબર નથી.