અવકાશના મોસમની માહિતી મેળવવાની પ્રક્રિયા ચાલુ : ઈસરોએ માહિતી આપી
બેંગ્લોર, તા. 18 : ચંદ્રયાનની સફળતા બાદ ઈસરોના મહત્ત્વના સૂર્ય મિશન આદિત્ય એલ-1એ અવકાશની વૈજ્ઞાનિક માહિતી મેળવવાનું શરૂ કરી દીધું છે, જેથી અવકાશના વાતાવરણની અને સૂર્યમાંથી નીકળતી હવાની જાણકારી મેળવવામાં સરળતા થશે અને સોમવારે મોડી રાત્રે તે અલ-1 પોઈન્ટ તરફ જવા આગળ વધશે.
એક મીડિયાના હેવાલ મુજબ, ઈસરોએ સોમવારે જણાવ્યું હતું કે, આદિત્ય મિશનના પેલોડમાં લાગેલા સુપ્રા થર્મલ એન્ડ એનર્જેટિક પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટર (સ્ટેપ્સ ઈન્સ્ટ્રુમેન્ટ)માં છ સેન્સર લાગેલા છે, જેના દ્વારા અલગ-અલગ દિશામાં નિરીક્ષણ કરી માહિતી એકત્ર કરાઈ છે તેમ જણાવ્યું હતું.
વધુ માહિતી આપતાં ઈસરોએ કહ્યું હતું કે, યાન રાત્રે બે વાગ્યે પૃથ્વીની કક્ષામાંથી જ્યાં સૂર્યનું નિરીક્ષણ થવાનું છે તે ટ્રાંસ-લૈગ્રેંજિયન પોઈન્ટ-1 તરફ એટલે કે, 15 લાખ કિલોમીટરનો સફર કરવા તરફ ગતિ કરશે, જે માટે તેમાં લાગેલા થ્રસ્ટર થોડીવાર માટે ચાલુ કરાશે. નોંધનીય છે કે, આદિત્ય યાન જાન્યુઆરી-2024માં એલ-1 પોઈન્ટ પર પહોંચશે.