• મંગળવાર, 23 એપ્રિલ, 2024

અક્સાઈ ચીનમાં ચીનની ગતિવિધિ તેજ

અમેરિકી થિંક ટેન્કનો રિપોર્ટ 

નવી દિલ્હી, તા. 5 : ચીન એક તરફ શાંતિની વાતો કરી રહ્યું છે તો બીજી તરફ સરહદ ઉપર સતત નિર્માણ કાર્ય પણ યથાવત્ છે અને વિસ્તારવાદી વિચારધારાને મૂકી રહ્યું નથી. અમેરિકાની થિંક ટેન્ક ચેટહેમ હાઉસે દાવો કર્યો છે કે, ચીન વિવાદાસ્પદ અક્સાઈ ચીન વિસતારમાં પણ નિર્માણ કાર્ય કરી રહ્યું છે. આ વિસ્તારમાં સડકો, આઉટ પોસ્ટ, કેમ્પ અને હેલિપેડ બનાવવાની કામગીરી થઈ રહી છે.

થિંક ટેન્કે છ મહિનાની સેટેલાઇટ તસવીરોનું વિશ્લેષણ કર્યા બાદ રિપોર્ટ રજૂ કર્યો છે. ઓક્ટોબર 2022થી જ તમામ તસવીરો ઉપર નજર રાખવામાં આવી રહી હતી. આ તસવીરોમાં જોઈ શકાય છે કે ચીને એલઓસી પાસેથા રસ્તાઓ પહોળા કર્યા છે. વોટરપ્રૂફ કેમ્પ બનાવ્યા છે. આ ઉપરાંત પાર્કિંગ એરિયા, સોલાર પેનલ અને હેલિપેડનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અક્સાઈ ચીન લેક પાસે જ હેલિપેડ બન્યું છે. જેમાં હેલિકોપ્ટર સાથે ડ્રોન ઉડાડવાની પણ સુવિધા છે. પીએલએ આ વિસ્તારમાં પોતાની ક્ષમતા વધારવાની કવાયતમાં છે. ઉલ્લેખનીય છે કે સરહદ ઉપર ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં તનાવ છે. ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણ બાદ ભારત તરફથી સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી સરહદ ઉપર ચીન વિવાદનો ઉકેલ નહીં કરે ત્યાં સુધી સંબંધમાં સુધારાની કોઈ શક્યતા નથી. દેપસાંગ વિસ્તારમાં પણ ચીની ગતિવિધિ જારી છે.