• શનિવાર, 20 એપ્રિલ, 2024

આઈસીઆઈસીઆઈ બૅન્ક તાતા કૅન્સર હૉસ્પિટલ માટે રૂા.1200 કરોડનું ડોનેશન આપશે  

નવી મુંબઈ, પંજાબ, આંધ્ર પ્રદેશમાં કૅન્સર સેન્ટર્સ સ્થાપવામાં આવશે 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : આઈસીઆઈસીઆઈ બૅન્ક તાતા મેમોરિયલ સેન્ટર્સ માટે રૂા. 1200 કરોડનું ડોનેશન આપશે. આઈસીઆઈસીઆઈ બૅન્ક એના સીએસઆર (કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) ફન્ડ્સમાંથી આ રકમનું દાન કરશે. આ નાણાંની તાતા મેમોરિયલ સેન્ટર કૅન્સરના દર્દીઓ માટે ત્રણ સ્થળોએ સેન્ટર્સ સ્થાપશે. આ સેન્ટર મહારાષ્ટ્રમાં નવી મુંબઈ, પંજાબમાં મુલાનપુર અને આંધ્ર પ્રદેશમાં વિશાખાપટ્ટનમ ખાતે સ્થાપવામાં આવશે. આ ત્રણ સેન્ટર્સનો એરિયા 7,50,000 ચોરસ ફૂટનો હશે. આ સેન્ટર્સ આધુનિક રેડિયોલૉજી મશીન્સથી સજ્જ હશે.

રૂા. 1200 કરોડમાંથી રૂા. 460 કરોડ નવી મુંબઈમાં ખારઘર ખાતેની હૉસ્પિટલના નવા બ્લોક માટે ફાળવવામાં આવ્યા છે. મુલાનપુર સેન્ટર માટે રૂા. 350 કરોડ અને વિશાખાપટ્ટનમ સેન્ટર માટે રૂા. 390 કરોડ ફાળવવામાં આવ્યા છે. સીએસઆર હેઠળ આઈસીઆઈસીઆઈ બૅન્ક દ્વારા આ સૌથી મોટું ડોનેશન છે. નવા ત્રણ સેન્ટર વાર્ષિક 25,000 જેટલા નવા પેશન્ટોને સારવાર આપી શકશે. તાતા મેમોરિયલ સેન્ટર અત્યારે દર વર્ષે 1,25,000 કૅન્સરના દર્દીઓને સારવાર આપે છે. આ ત્રણ સેન્ટરોમાં દર્દીઓને સબસિડાઇઝ્ડ કોસ્ટમાં સારવાર આપવામાં આવશે.

તાતા મેમોરિયલ સેન્ટર મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, ઓરિસા, આસામ અને આંધ્ર પ્રદેશમાં કૅન્સર કેર સેન્ટર્સ સ્થાપવાની યોજના ધરાવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ