• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

સ્મૉલ સેવિંગ્સમાં બેનામી ડિપૉઝિટ્સની તપાસ  

એક કરોડ કરતાં વધુની ડિપૉઝિટ્સ માટે 150 નોટિસો ઇસ્યૂ કરવામાં આવી 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : આવકવેરા વિભાગે સ્મૉલ સેવિંગ્સ સ્કીમ હેઠળ બેનામી ડિપૉઝિટ્સની તપાસ શરૂ કરી છે. આવકવેરા વિભાગે કિસાન વિકાસ પત્ર અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ જેવી સ્મૉલ સેવિંગ્સ સ્કીમોમાં રૂા. 50 લાખ કરતાં વધુ રકમની બેનામી ડિપૉઝિટ્સ શોધી કાઢી છે. આ ડિપૉઝિટ્સ બાળકો અથવા ઘરનોકરોનાં નામે છે. રૂા. એક કરોડ કરતાં વધુ રકમની ડિપૉઝિટ્સ માટે આવકવેરા વિભાગે નોટિસો ઇસ્યૂ કરી છે. અત્યાર સુધીમાં 150 નોટિસો જારી કરવામાં આવી છે. આગામી સમયમાં હજી વધુ નોટિસો ઇસ્યૂ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે રૂા. 10 લાખ કરતાં વધુ રકમની ડિપૉઝિટ્સના વર્તમાન એકાઉન્ટ્સ માટે ફરીથી કેવાયસીની પ્રોસેસ શરૂ કરવા માટે જણાવ્યું છે. આવકવેરા વિભાગે રૂા. 50 લાખ કરતાં વધુની ડિપૉઝિટ્સ ધરાવતા અનેક બેનામી કેસો શોધી કાઢ્યા છે. આ ડિપૉઝિટ્સ મૂકનારાએ આવકવેરાનું રિટર્ન ફાઇલ નથી કર્યું. આ વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ડિપૉઝિર્ટ્સની એટલી મોટી આવક પણ નથી કે તેઓ આટલી મોટી રકમની ડિપૉઝિટ્સમાં રોકાણ કરી શકે. ડાટા એનલિટિક્સને કારણે આવકવેરા વિભાગને આવા કેસો શોધી કાઢવામાં સફળતા મળી રહી છે.

એનઆરઆઈ અને શ્રીમંતો દુરુપયોગ કરે છે

આવકવેરા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે સ્મૉલ સેવિંગ્સ સ્કીમ્સમાં રોકાણનો દુરુપયોગ એનઆરઆઈ અને શ્રીમંત રોકાણકારો કરે છે. અમુક ટ્રસ્ટો પણ દુરુપયોગ કરે છે.

એનઆરઆઈ અને એચયુએફને સ્મૉલ સેવિંગ્સ સ્કીમ્સમાં રોકાણ કરવાની મંજૂરી નથી. જે ગ્રાહકોએ કેવાયસીની જરૂરિયાતોનું પાલન નથી કર્યું એમના એકાઉન્ટ્સ ફિઝ કરવા માટે પોસ્ટ્સ ડિપાર્ટમેન્ટએ જણાવ્યું છે.

કેવાયસીનાં ધોરણો કડક કરવામાં આવ્યાં આવકવેરા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં સ્મૉલ સેવિંગ્સમાં બેનામી ડિપૉઝિટ્સના કેસો થવાની શક્યતા નથી. કારણ કે કેવાયસીનાં ધોરણો તાજેતરમાં કડક બનાવાયા છે. હવે રૂા. 10 લાખ અથવા એનાથી વધુ રકમની સ્મૉલ સેવિંગ્સ સ્કીમમાં રોકાણ માટે આવકના સ્રોતનો પુરાવો પરમેનન્ટ એકાઉન્ટ નંબર, આધાર કાર્ડ તેમ જ અન્ય કેવાયસી ડૉક્યુમેન્ટ્સ સબમિટ કરવા પડશે. રૂા. 10 લાખ કરતાં વધુ ડિપૉઝિટ્સ ધરાવનાર એકાઉન્ટ હોલ્ટરોએ દર બે વર્ષે કેવાયસીની પ્રોસેસ પૂરી કરવી પડશે.