• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

મોદી પાછળ જોઈને કાર ચલાવે છે : રાહુલ ગાંધી  

ન્યૂયોર્ક, તા. 5 : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ન્યૂયોર્કના જેવિટ્સ સેન્ટરમાં પ્રવાસી ભારતીય સમુદાયને સંબોધન દરમ્યાન `મોદીરાજ' પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાછળ જોઈને કાર ચલાવી રહ્યા છે. મોદી પાછળ નજર રાખીને કાર ચલાવી રહ્યાં છે અને પછી અચરજ પામી રહ્યા છે કે, દુર્ઘટનાઓ કેમ થાય છે, તેવો કટાક્ષ કોંગ્રેસ નેતાએ કર્યો હતો.

રાહુલે 26 મિનિટના ભાષણ દરમ્યાન પ્રહાર કરતાં કહ્યું હતું કે, ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ પાછળ જોવાની વિચારધારા ધરાવે છે.

તેમને કંઈ પણ પૂછો ત્યારે પાછળની તરફ જોવા લાગે છે. સંઘ કે ભાજપને પૂછો કે, ટ્રેન દુર્ઘટના કેમ થઈ, તો કહેશે કે કોંગ્રેસ સરકારે 50 વર્ષ પહેલાં આમ કર્યું હતું, તેમ કર્યું હતું, તેવા પ્રહાર પૂર્વ કોંગ્રેસ સાંસદે કર્યા હતા. બિનનિવાસી ભારતીયોને `આઈ લવ યુ' કહેતાં રાહુલે પૂછ્યું હતું કે, તમે કદી ભાજપની કોઈ બેઠકમાં લોકોને આવું કહેતા સાંભળ્યા છે ? અમે કોંગ્રેસના લોકો નફરતની બજારમાં મહોબ્બતની દુકાન ખોલવા આવ્યા છીએ. ભાજપ અને વડાપ્રધાન મોદી પોતાની ભૂલોના આરોપ બીજા પર નાખે છે.