• બુધવાર, 29 નવેમ્બર, 2023

સોનિયા ગાંધી લોકસભા ચૂંટણી નહીં લડે

લખનઉ, તા. 19 : ઉત્તર પ્રદેશની લોકસભા ચૂંટણીને લઈને પક્ષોની રાજનીતિમાં ગરમાવો છે. માનવામાં આવે છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ સહિત પાંચ રાજ્યની ચૂંટણી બાદ લોકસભાને લઈને મહેનત વધારે ઝડપી બનશે. કોંગ્રેસ એમપી, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. આ સાથે જ પક્ષ યુપીમાં મજબૂતી માટે પણ કવાયત કરી રહ્યો છે. જો કે હજી સુધી નક્કી નથી કે વાયનાડથી ચૂંટણી લડનારા રાહુલ ગાંધી આ વખતે અમેઠીથી લડશે કે નહીં ? આ દરમિયાન વધુ એક ચર્ચા થઈ રહી છે કે પ્રિયંકા ગાંધી પહેલી વખત લોકસભા ચૂંટણી લડશે ? શું તેઓ રાયબરેલી બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર બનશે ? રાયબરેલી બેઠક ઉપરથી સોનિયા ગાંધી ચૂંટણી લડે છે. 

રાયબરેલી લોકસભા સીટ યુપીમાં એકમાત્ર એવી બેઠક હતી જેના ઉપર કોંગ્રેસે 2019માં જીત મેળવી હતી. અમેઠી ઉપરથી રાહુલ ગાંધીને પણ હાર મળી હતી. કહેવાય છે કે સતત ખરાબ સ્વાસ્થ્યનાં કારણે સોનિયા ગાંધી આ વખતે ચૂંટણી લડવાથી દૂરી બનાવી શકે છે. તેવામાં રાયબરેલી બેઠક ઉપરથી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉમેદવાર બની શકે છે. આ માત્ર ક્યાસ જ છે પણ એક ટીવી ઇન્ટરવ્યૂમાં પ્રિયંકા ગાંધીએ સંકેત આપ્યો હતો. 

પ્રિયંકાને સવાલ કરવામાં આવ્યો હતો કે શું તેઓ આગામી લોકસભા ચૂંટણી લડશે ? તેના જવાબમાં પ્રિયંકાએ કહ્યું હતું કે હજી લોકસભા ચૂંટણી દૂર છે. રાયબરેલી ઉપરથી ચૂંટણી લડવાના સવાલ ઉપર પ્રિયંકાએ કહ્યું હતું કે તેઓએ સહમતી નહોતી આપી અને ઈનકાર પણ કર્યો નહોતો. પ્રિયંકાએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણી વખતે જ ખ્યાલ આવશે કે તેઓ શું નિર્ણય કરે છે.