• મંગળવાર, 06 જૂન, 2023

નીરજ ચોપરા દુનિયાનો નંબર વન ભાલા ફેંક ખેલાડી

નવી દિલ્હી, તા.23: ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ સર્જીને ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય એથ્લેટ નિરજ ચોપરા દુનિયાનો નંબર વન જ્વેલિયન થ્રોઅર ખેલાડી બની ગયો છે.  તે દેશનો પહેલો એથ્લેટ છે જેણે આ ઉપલબ્ધિ હાંસલ કરી હોય. વર્લ્ડ એથ્લેટિકસ ફેડરેશને નવી રેન્કિંગ સૂચિ જાહેર કરી છે. જેમાં નિરજ ચોપરા 1455 રેટિંગ પોઇન્ટ સાથે નંબર વન સ્થાન પર છે. તેણે વર્લ્ડ ચેમ્પિયન ગ્રેનેડાના ભાલા ફેંક ખેલાડી એન્ડર્સન પીટર્સને 22 પોઇન્ટ પાછળ રાખી દીધો છે. નવી ક્રમાંક સૂચિમાં પાકિસ્તાનનો ભાલા ફેંક ખેલાડી અશરદ નદીમ પાંચમા સ્થાને છે. નદીમે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે ભારતના અન્ય બે ખેલાડી રોહિત યાદવ 15મા અને ડીપી મનુ 17મા સ્થાને રહી ટોપ ટવેન્ટીમાં સામેલ છે. નિરજ ચોપરા છેલ્લે 30 ઓગસ્ટ 2022માં બીજા સ્થાને હતો. ત્યારે પીટર્સ પહેલા નંબર પર હતો. તા. પ મેના ડાયમંડ લીગમાં નિરજે 88.67 મીટર દૂર ભાલો ફેંકીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો જ્યારે તે સમયનો વર્લ્ડ નંબર વન એન્ડર્સન પીટર્સ 85.88 મીટરના થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકનો રજત ચંદ્રક વિજેતા ખેલાડી જાકૂબ બાદલેચ બીજા સ્થાને રહ્યો હતો. નિરજ ચોપરા હવે નંબર વન ભાલા ફેંક ખેલાડી સાથે એશિયન ગેમ્સમાં ઉતરશે. જે 23થી 8 ઓક્ટોબર દરમિયાન ચીનમાં રમાશે.