• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

માંચેસ્ટર સિટી એફએ કપમાં સાતમીવાર ચૅમ્પિયન

લંડન, તા.4 : એફએ કપના રોમાંચક ફાઇનલમાં માંચેસ્ટર સિટીએ તેની પરંપરાગત હરીફ માંચેસ્ટર યુનાઇટેડ ટીમને 2-1 ગોલથી હાર આપીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. માંચેસ્ટર સિટી ટીમ એફએ કપમાં ચાર વર્ષ બાદ ચેમ્પિયન બની છે. ફાઇનલના પ્રારંભે જ માંચેસ્ટર સિટી તરફથી ઇલ્કે ગુંડોગને ગોલ કરીને ટીમને આગળ કરી હતી. બાદમાં માંચેસ્ટર યુનાઇટેડ તરફથી 33મી મિનિટે બ્રૂનો ફર્નાંડિસે પેનલ્ટી સ્પોટ પરથી શાનદાર ગોલ કરીને સ્કોર લાઇન 1-1ની બરાબરી પર લાવી દીધો હતો. બીજા હાફમાં સિટી ટીમ તરફથી વધુ એક ગોલ થયો હતો. જે સરસાઇ છેલ્લી સુધી જળવાઇ રહી હતી. આથી યુનાઇટેડ ટીમની હાર થઇ હતી અને સિટી ટીમ ચેમ્પિયન બની હતી. 

આ સાથે જ માંચેસ્ટર સિટીએ એફએ કપની ટ્રોફી સાતમીવાર કબજે કરી છે. આ પહેલા તે છેલ્લે 2016ના અંતમાં વોટફોર્ડ ટીમને ફાઇનલમાં 6 ગોલના અંતરથી હાર આપી હતી જ્યારે 2018ના ફાઇનલમાં ચેલ્સી સામે હાર સહન કરી હતી. એફએ કપમાં માંચેસ્ટર યુનાઇટેડ 12 વખત ચેમ્પિયન બની છે જ્યારે આર્સેનલ 14 ખિતાબનો રેકોર્ડ ધરાવે છે.