લંડન, તા. 5 : બુધવારથી શરૂ થઈ રહેલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પૂર્વે ટીમ ઇન્ડિયાની ચિંતા વધી છે. આજે ઓવલ મેદાન પરના પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય ટીમનો યુવા વિકેટકીપર ઇશાન કિશન ઇજાગ્રસ્ત થયો હતો. નેટમાં બેટિંગ કરતી વખતે ઇશાન કિશનને જમણા હાથમાં ઇજા થઈ હતી. દડો સીધો જ ઇશાનના હાથ પર લાગ્યો હતો. આથી કેટલાક સમય સુઘી તે દર્દથી કણસતો જોવા મળ્યો હતો. બાદમાં ઇશાન કિશન જમણા હાથમાં પટ્ટી સાથે જોવા મળ્યો હતો. જો કે આ દરમિયાન તેણે સ્પિનરો સામે નેટ પ્રેક્ટિસ ચાલુ રાખી હતી.
ડબ્લ્યુટીસી ફાઇનલ માટે ભારતીય ટીમમાં વિકેટકીપરના રૂપમાં બે ખેલાડી કેએસ ભરત અને ઇશાન કિશનનો સમાવેશ કરાયો છે. બન્નેમાંથી કોની પ્લેઇંગ ઇલેવનમાં પસંદગી થશે તેના પર સસ્પેન્સ સર્જાયું છે. ભરતે છેલ્લે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં વિકેટકીપિંગ કર્યું હતું. જે દરમિયાન તેનો મિશ્ર દેખાવ રહ્યો હતો.