• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

ડબ્લ્યુટીસી ફાઇનલમાં કોહલી પાસે એકથી વધુ વિક્રમ તોડવાની તક  

મહાન વિવિયન રિચર્ડ્સ અને રાહુલ દ્રવિડથી આગળ થવાનો મોકો 

લંડન, તા. 5 : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી) ફાઇનલમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટર વિરાટ કોહલી જ્યારે ઓવલ મેદાન પર ઉતરશે ત્યારે તેની નજરમાં એકથી વધુ રેકોર્ડ હશે. જો કે ઇંગ્લેન્ડની પરિસ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની પેસ બેટરી સામે કોહલી સહિતના ભારતીય બેટધરોની કસોટી થશે તે નિશ્ચિત છે. વિરાટ કોહલીએ આઇપીએલમાં અને એ પહેલા શાનદાર ફોર્મમાં બેટિંગ કરી છે. આથી તે ફાઇનલમાં પણ મોટી ઇનિંગ રમશે તેવી ચાહકોને આશા છે.

વિરાટ કોહલી અત્યાર સુધીમાં 108 ટેસ્ટમાં 8416 રન કરી ચૂકયો છે. જો તે ડબ્લ્યુટીસી ફાઇનલમાં 125 રન બનાવવામાં સફળ રહ્યો તો વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટર વિવિયન રિચર્ડસના 8540 રનના આંકડાથી આગળ નીકળી જશે. કોહલી ખુદ રિચર્ડ્સનો મોટો પ્રશંસક છે, પણ તેની નજર આ મહાન ખેલાડીથી આગળ થવા પર હશે.  કોહલી પાસે હમવતન ખેલાડી વિરેન્દ્ર સેહવાગથી પણ આગળ થવાનો મોકો રહેશે. સેહવાગના ખાતામાં 8586 રન છે. જેનાથી આગળ થવા કોહલીએ 171 રન કરવા પડશે. 

આ ઉપરાંત ડબ્લ્યુટીસી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રાહુલ દ્રવિડના ટેસ્ટ રનને પાછળ રાખવાની પણ કોહલી પાસે તક બની રહેશે. દ્રવિડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 60 ઇનિંગમાં 2143 રન કર્યા છે. જેમાં 2 સદી અને 13 અર્ધસદી છે જ્યારે કોહલીએ ઓસિ. સામે 42 ઇનિંગમાં 1979 રન કર્યા છે. આ રેકોર્ડ તોડવા માટે કોહલીને 164 રનની જરૂર રહેશે.

વિરાટ કોહલીની સાથોસાથ સ્ટિવન સ્મિથની નજર રિકી પોન્ટિંગના ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના મેચોમાં કરેલી 8 સદીના રેકોર્ડને તોડવા પર હશે. આ સૂચિમાં ટોચ પર સચિન તેંડુલકર 11 સદી સાથે છે જ્યારે ગવાસ્કર, સ્મિથ, કોહલી અને પોન્ટિંગના નામે 8-8 સદી છે અને સંયુક્તરૂપે બીજાં સ્થાને છે.