દિલ્હી, પંજાબ, હિમાચલ, હરિયાણા, કાશ્મીર, રાજસ્થાન, યુપી, બિહારમાં હવામાન પલટો
નવી દિલ્હી, તા.23 : મે માસમાં ભયંકર ગરમી અને લૂના કહેર વચ્ચે હવામાન વિભાગે આઠેક રાજયમાં આગામી થોડા જ દિવસોમાં વરસાદી રાહતની સંભાવના વયક્ત કરી છે જેથી કાળઝાળ ગરમીમાં રાહત મળશે. બુધવારથી દેશના અનેક ભાગમાં હવામાન પલટો જોવા મળશે.
આઈએમડી અનુસાર દિલ્હી-એનસીઆરમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. 23મી મેથી હવામાન વાદળછાયુ બન્યુ છે. 28મી સુધીમાં ક્ષેત્રમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 23મી મેથી 28મી સુધીમાં તાપમાન ગબડીને 36-38 ડિગ્રી સે. સુધી નીચુ જઈ શકે છે. 24-25 મે દરમિયાન પંજાબ, હિમાચલ અને હરિયાણામાં વરસાદ સાથે કરા પડવાની સંભાવના વયક્ત કરવામાં આવી છે. રાજસ્થાનમાં આગામી 3 દિવસ ધૂળની આંધી સાથે વરસાદનું અનુમાન છે. ઉપરાંત જમ્મુ-કાશ્મીર તથા લદાખમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે બિહારના કેટલાક ભાગોમાં આગામી 3-4 દિવસમાં હળવો વરસાદ પડી શકે છે. યુપીમાં બે દિવસમાં વરસાદી રાહતની સંભાવના છે.