• શનિવાર, 20 એપ્રિલ, 2024

બ્રિજભૂષણની નવ જૂન સુધીમાં ધરપકડ નહીં તો પહેલવાનો સાથે કૂચ  

ખાપ મહાપંચાયત બાદ ટિકૈતની મહેતલ

ચંડીગઢ, તા.2 : ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ-ભાજપ સાંસદ બૃજભૂષણ શરણ સિંહની 9 જૂન સુધીમાં ધરપકડ કરવા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે અલ્ટિમેટમ આપ્યું છે. હરિયાણાના કુરુક્ષેત્રમાં શુક્રવારે ખાપ પંચાયતોની મહાપંચાયત મળી હતી. જેમાં કેન્દ્ર સરકારને 9 જૂન સુધીમાં પહેલવાનોની માગ પુરી કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. જો સરકાર માગો નહીં સ્વીકારે તો દેશભરમાં પંચાયતો યોજવામાં આવશે. આ લડાઈ ત્યાં સુધી ચાલુ રહેશે જયાં સુધી પહેલવાનોને ન્યાય ન મળે.

ખેડૂત નેતા ટિકૈતે બેઠક બાદ એલાન કર્યુ કે સરકારે પહેલવાનોની ફરિયાદોનું સમાધાન લાવવું જોઈએ. બૃજભૂષણ શરણ સિંહની ધરપકડ થવી જોઈએ. તેમની ધરપકડથી ઓછું કંઈ સ્વીકાર્ય નથી. જો આવું ન થયું તો અમે 9 જૂને પહેલવાનો સાથે જંતરમંતર કૂચ કરીશું. ખાપ નેતાઓએ ચેતવણી આપી કે જો તેમને જંતર મંતર ખાતે બેસવાની મંજૂરી આપવામાં ન આવી તો આંદોલન જાહેર કરવામાં આવશે. 

સાથે માગ કરવામાં આવી કે પહેલવાનો પર નોંધવામાં આવેલા કેસો પાછા ખેંચવામાં આવે. આ મુદાનો વાતચીતથી ઉકેલ લાવવો જોઈએ. હવે 11 જૂને શામલીમાં મહાપંચાયત યોજાશે. ટિકૈતે કહ્યં કે સરકારને તક આપવામાં આવશે. 

તેમણે આરોપ લગાવ્યો કે મહિલા પહેલવાનોના પરિવારજનોને ધમકાવવામાં આવી રહ્યા છે. આ પહેલા ટિકૈત રાષ્ટ્રપતિને આ મામલે પગલાં લેવાની માગ સાથે મળવા જવાના હોવાનું જાહેર કરી ચૂકયા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ