• શનિવાર, 20 એપ્રિલ, 2024

રેલવેમાં ક્ષમતાથી 6.5 કરોડ વધુ યાત્રી : સુરક્ષા વિભાગમાં 1.82 લાખ પદ ખાલી  

આરટીઆઈના જવાબમાં રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી ચિંતાજનક

નવી દિલ્હી, તા. 5: ઓડિસાના બાલાસોર જિલ્લામાં કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડીની ટક્કરમાં અત્યારસુધીમાં 275 યાત્રી જીવ ગુમાવી ચૂક્યા છે. અંદાજિત 900 યાત્રી ઘાયલ છે. જેનો અલગ અલગ હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. આ દુર્ઘટના બાદ ફરી રેલવેની સુરક્ષાથી લઈને કર્મચારીઓ ઉપર કામના વધારાના બોજનો મુદ્દો ગરમ થયો છે. વિપક્ષી દળો દ્વારા રેલવેમાં ભરતીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવી રહ્યો છે. અહેવાલ મુજબ એક્સપ્રેસ ટ્રેનમાં સીટની સરખામણીએ 19 ટકા અને સુપર ફાસ્ટમાં સીટની સરખામણીએ 25 ટકા યાત્રી વધારે રહ્યા છે. આ વચ્ચે રેલવેની સેફ્ટી કેટેગરીમાં 1.82 લાખ પદ પણ ખાલી છે. 

આંકડાઓ ધ્યાને લેતા જાણવા મળે છે કે ભારતીય રેલવેની મેલ એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ગ્રેનો ઉપર યાત્રીઓનું વધુ પડતું દબાણ છે. સીટથી કેટલાય ગણા વધારે લોકો યાત્રા કરી રહ્યા છે. આરટીઆઇ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે થોડા સમય પહેલા સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ (સીઆરઆઇએસ)ને સવાલ કર્યો હતો કે ભારતીય રેલવેની મેલ એક્સપ્રેસ, સુપરફાસ્ટ અને પેસેન્જર ટ્રેનમાં કેટલી સીટ છે અને તેમાં યાત્રા કરનારા લોકોની વાસ્તવિક સંખ્યા કેટલી છે. સીઆરઆઇએસએ જે જાણકારી આપી છે તે ચોંકાવનારી છે. 

સીઆરઆઇએસ અનુસાર 2022-23માં મેલ એક્સપ્રેસ ટ્રેનમાં કુલ સીટની સંખ્યા 26,02,82,278 હતી જ્યારે આ સીટ ઉપર 30,94,11,139 યાત્રીઓએ મુસાફરી કરી હતી. જે કુલ સીટની સરખામણીએ 19 ટકા વધારે છે. બીજી તરફ સુપર ફાસ્ટ ટ્રેન ઉપર તો વધુ દબાણ છે. 2022-23માં સુપરફાસ્ટ ટ્રેનની કુલ સીટની સંખ્યા 26,14,55,644 હતી જ્યારે 32,60,67,146 લોકોએ યાત્રા કરી હતી. જે ક્ષમતા કરતા 25 ટકા વધારે છે. પેસેન્જર ટ્રેનની વાત કરવામાં આવે તો 2022-23માં કુલ 10,00,96 સીટ ઉપર 91,059 લોકોએ યાત્રા કરી હતી. 

સીઆરઆઇએસ મુજબ સીટના મુકાબલે વાસ્તવિક પેસેન્જરની સંખ્યામાં એવા પેસેન્જર પણ સામેલ છે. જેની પાસે આરએસી, કન્ફર્મ અને વેટિંગ ટિકિટ હતી. તેમાં બિનઅનામત, સામાન્ય અને દંડ વગેરે આપીને યાત્રા કરનારા યાત્રીની સંખ્યા સામેલ નથી. જો આવા યાત્રીઓની સંખ્યા જોડવામાં આવે તો આંકડો વધુ મોટો બની શકે છે. 

કોરોમંડલ એક્સપ્રેસ દુર્ઘટના બાદ રેલવે સેફ્ટીને લઈને પણ સવાલ ઉઠી રહ્યો છે. ભારતીય રેલવેની સેફ્ટી કેટેગરી (ગ્રુપ સી)માં મોટાપાયે જગ્યા ખાલી છે. રેલવે મુજબ સેફ્ટી કેટેગરીમાં 9,59,529 પદ છે. જેમાં 7,76,762 ઓન રોલ પદ છે. આરટીઆઇના જવાબમાં રેલવેએ કહ્યું છે કે. 1 એપ્રિલ, 2022 સુધી સેફ્ટી કેટેગરીમાં 1,82,767 પદ ખાલી પડયા હતા. લાંબા સમયથી સેફ્ટી કેટેગરીમાં ભરતી થઈ નથી. 

શું કહે છે કેગનો રિપોર્ટ ?

રેલવેની સેફ્ટીમાં ઘણી હદે એન્જિનિયરિંગ ડિવિઝન ઉપર ભાર હોય છે. આ ડિવિઝનમાં પણ મોટાપાયે પદ ખાલી છે. કેગના 2017-18થી લઈને 2021-22ના રિપોર્ટ ઉપર ધ્યાન આપવામાં આવે તો આ સમયગાળામાં રેલવેના બે ઝોન, ઇસ્ટ સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવેમાં 19-30 ટકા પદ ખાલી હતા. ઇસ્ટ સેન્ટ્રલ રેલવેમાં આ સમયગાળામાં ટ્રેન ડિરેલ થવાની 172 ઘટના બની હતી. જેમાં 23 ટકા ઘટનાઓ માટે ટ્રેકનો ખરાબ રખરખાવ જવાબદાર હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ