• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

અમેરિકાના સંરક્ષણપ્રધાન ભારતમાં : રાજનાથ સાથે મંત્રણા  

નવી દિલ્હી, તા. 5 : અમેરિકાનાં સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિન રવિવારે પોતાનાં બે દિવસીય ભારત પ્રવાસે આવી પહોંચ્યા હતાં અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે આજે દિલ્હીનાં માણેક શૉ સેન્ટરમાં મુલાકાત કરી હતી. લદ્દાખમાં દાદાગીરી કરવા ચીનનાં પ્રયાસો વચ્ચે અમેરિકાનાં સંરક્ષણ પ્રધાનની ભારતની યાત્રાથી ચીન નારાજ થશે કારણ કે રાજનાથ સિંહ અને ઓસ્ટિન વચ્ચેની મુલાકાતમાં અનેક મહત્ત્વનાં મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી અને ઘણાં વિષયો ઉપર સહમતી પણ સધાઈ છે. 

રાજનાથ અને ઓસ્ટિન વચ્ચે દ્વિપક્ષી મંત્રણા પછી સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર નિવેદન જારી કર્યુ હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, રાજનાથ અને ઓસ્ટિને મજબૂત રક્ષા સહકારની પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. બન્ને નવી ટેકનોલોજી સાથે વિકાસ અને સંયુક્ત ઉત્પાદન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા અંગે પણ પરામર્શ કર્યો હતો. 

બેઠક બાદ લોયડે રાજનાથને પોતાનાં મિત્ર ગણાવતા કહ્યું હતું કે, તેમને મળીને ખુબ જ સારું લાગ્યું અને ભારત-અમેરિકાનાં સંબંધો પ્રત્યે તેમની અતૂટ પ્રતિબદ્ધતા માટે તેઓ ધન્યવાદને પાત્ર છે. તેમનું નેતૃત્વ બન્ને દેશો વચ્ચે સંયુક્ત અભ્યાસ, સહયોગ અને ટેકનોલોજી વિકાસમાં ઉપયોગ સાબિત થશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ