• શનિવાર, 20 એપ્રિલ, 2024

આંદોલનકારી પહેલવાનો નોકરી ઉપર પરત; લડત ચાલુ  

અમિત શાહ સાથે મુલાકાત બાદ 

નવીદિલ્હી, તા.પ: કુસ્તીસંઘના અધ્યક્ષ અને ભાજપના સાંસદ બૃજભૂષણ શરણસિંહ વિરુદ્ધ શારીરિક શોષણના આરોપો સાથે આંદોલને ચડેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પહેલવાનો ગૃહ પ્રધાન અમિત શાહ સાથેની મુલાકાતનાં અમુક કલાકોમાં જ કૂણાં પડયા હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા રેલવેમાં પોતાની ફરજ ઉપર પરત ફરી ગયા છે. જો કે તેમણે કહ્યું છે કે, ન્યાય માટે તેમની લડત આગળ પણ ચાલુ જ રહેશે.

ઉલ્લેખનીય છે કે, આંદોલનકારી પહેલવાનો શનિવારે રાત્રે અમિત શાહને મળ્યા હતા. તેમનાં વચ્ચે આશરે 2 કલાક જેટલી લાંબી વાતચીત ચાલી હતી. આ ઘટનાક્રમ પછી આજે પહેલવાનો પુન: પોતાની નોકરી ઉપર પરત ફરવા લાગતા હવે આંદોલનનું શું થશે તેવો સવાલ ચર્ચાવા લાગ્યો હતો.  

જેને પગલે સાક્ષી મલિકે ટ્વિટર ઉપર લખ્યું હતું કે, આ બિલકુલ ખોટી ખબર છે. ન્યાયની આ લડાઈમાં અમારામાંથી કોઈ જ પાછળ હટયું નથી અને હટશે પણ નહીં. સત્યાગ્રહની સાથોસાથ રેલવેમાં મારી જવાબદારી પણ નિભાવી રહી છું. ન્યાય મળશે ત્યાં સુધી અમારી આ લડાઈ જારી જ રહેશે. તેથી કોઈએ ખોટી અટકળો કે અફવાઓ ફેલાવવી નહીં. જાણવા મળતી વિગતો અનુસાર સાક્ષી મલિક અને પૂનિયા પોતાની નોકરીની ફરજ ઉપર હાજર થઈ ગયા છે.