• ગુરુવાર, 18 એપ્રિલ, 2024

રેલવે ટ્રેક પુન:સ્થાપિત, ટ્રેન વ્યવહારની સફળ ટ્રાયલ  

ટ્રિપલ ટ્રેન દુર્ઘટના: બચાવ, રાહતકાર્ય પૂર્ણ 

ભુવનેશ્વર, તા. 5 : ઓરિસ્સાનાં બાલાસોરમાં થયેલા ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં આખરે બચાવ-રાહતકાર્ય પૂર્ણ થઈ શક્યું છે. પ્રભાવિત રેલવે ટ્રેકનું સમારકામ પણ પૂરું થઈ ગયું છે અને ત્યાંથી રેલ વ્યવહાર પણ પૂર્વવત્ કરી દેવામાં આવ્યો છે. એનડીઆરએફના આઇજી નરેન્દ્રસિંહ બુંદેલાના જણાવ્યા અનુસાર એનડીઆરએફની 9 ટીમને બચાવ-રાહત માટે મોકલવામાં આવેલી તેને પણ પરત બોલાવી લેવામાં આવી છે. તો ઓરિસ્સાના મુખ્ય સચિવ પી. કે. જેનાએ જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 151 શબની ઓળખ થઈ ગઈ છે અને બાકીના મૃતદેહોની ઓળખ મેળવવાના પ્રયાસો જારી છે. જેમની પણ ઓળખ થઈ ગઈ છે તે મૃતદેહોને વિનામૂલ્યે તેમના પરિજનો સુધી પહોંચાડવાની વ્યવસ્થા ઓરિસ્સાની સરકાર તરફથી કરવામાં આવી છે. પી. કે. જેનાના જણાવ્યા અનુસાર ભારે ગરમીનાં કારણે મૃતદેહોની સ્થિતિ ઝડપીથી કથળી રહી છે. તેથી બે દિવસ સુધી રાહ જોવામાં આવશે અને તેમ છતાં જેની ઓળખ નહીં મળે તેમના નિયમાનુસાર અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવશે.