• શનિવાર, 20 એપ્રિલ, 2024

રેલવે અકસ્માતની તપાસ સીબીઆઈને કેમ સોંપાઈ?  

કૉંગ્રેસ પ્રમુખનો વડા પ્રધાનને પત્ર

રેલવે પ્રધાનના રાજીનામાની માગ

ભૂવનેશ્વર/પટના, તા. 5 : ઓડિશાના બાલાસોરમાં ટ્રિપલ ટ્રેન અકસ્માત બાદ વિપક્ષો રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માગણી કરી રહ્યા છે. જોકે, બિહારના ભાગલપુરમાં ગંગાનદી પરનો બ્રિજ ખાબક્યો છતાં મુખ્ય પ્રધાન નીતિશકુમારના રાજીનામા બાબતે વિપક્ષો ચૂપ છે. બ્રિજ તૂટી પડયા બાદ ભાજપે નીતિશકુમારના રાજીનામાની માગ ઉઠાવતાં જનતા દળ યુનાઇટેડ તરફથી અગાઉ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડયો ત્યારે મુખ્ય પ્રધાનને ભાજપે કેમ ન હટાવ્યા એવી દલીલો થઈ રહી છે.

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 5 : સીબીઆઈ ગુનાખોરી કે અપરાધોની તપાસ કરવા માટેની બંધારણીય સંસ્થા છે, રેલવે દુર્ઘટનાઓની તપાસનું કામ સીબીઆઈનું નથી. બાલાસોર રેલવે દુર્ઘટનાની તપાસ સીબીઆઈને સોંપીને કેન્દ્ર સરકાર આ દુર્ઘટનાની જવાબદારી નક્કી કરવાના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા તેમ જ લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે, એવો આક્ષેપ કૉંગ્રેસના અધ્યક્ષ અને પૂર્વ રેલવે પ્રધાન મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં કર્યો છે.

વડા પ્રધાનને લખેલા પત્રમાં ખડગેએ બાલાસોર ટ્રેન દુર્ઘટનાનાં વાસ્તવિક કારણો શોધીને તમામ પાસાંની તપાસ કરવાની માગણી કરવા સાથે જ જણાવ્યું હતું કે, સીબીઆઈની તપાસથી ટેક્નિકલ, સંસ્થાગત તેમ જ રાજકીય નિષ્ફળતાઓની જવાબદારી નક્કી ન થઈ શકે. સીબીઆઈ રેલવે દુર્ઘટનાઓની તપાસ કરવા માટેની સંસ્થા નથી, સીબીઆઈ તો ગુનાહિત પ્રવૃત્તિઓની તપાસ કરવા માટેની સંસ્થા છે. બાલાસોર રેલવે દુર્ઘટનાની તપાસ સીબીઆઈને સોંપીને કેન્દ્ર સરકાર આ દુર્ઘટનાની જવાબદારી નક્કી કરવાના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા તેમ જ લોકોનું ધ્યાન અન્યત્ર ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે.  રેલવે બોર્ડે બાલાસોર ટ્રેન દુર્ઘટનાની સીબીઆઈ તપાસ માટે પ્રસ્તાવ કર્યો છે. આ ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં 288થી વધુ પ્રવાસીઓનાં મૃત્યુ થયાં અને પાંચસોથી વધુ પ્રવાસીઓ ઇજાગ્રસ્ત છે. પત્રમાં ખડગેએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરકારે એવા કેટલાય નિર્ણયો લીધા છે, જેમાં રેલવે પ્રવાસ અસુરક્ષિત થઈ ગયો છે અને જનતાની મુશ્કેલીઓ વધી ગઈ છે. કૉંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું કે, રેલવેમાં ત્રણેક લાખ જેટલા પદ ખાલી પડયા છે. જે રેલવે વિભાગમાં આ દુર્ઘટના થઈ છે એ પૂર્વ તટ રેલવેમાં 8278 પદ ખાલી પડયા છે. આવા જ હાલ રેલવે અને અન્ય સંલગ્ન વિભાગોનાં ઉચ્ચ પદોના છે, જેની ભરતી કરવામાં વડા પ્રધાન કાર્યાલય અને કૅબિનેટ કમિટીની ભૂમિકા હોય છે. વિવિધ વિભાગોમાં હજારોની સંખ્યામાં પદ ખાલી હોવાના કારણે અનુસૂચિત જાતિ-જનજાતિ, પછાત વર્ગ અને અતિ પછાત વર્ગના યુવા વર્ગ માટેની નિશ્ચિત નોકરીઓ પર પણ જોખમ ઊભું થાય છે.

ખડગેએ જણાવ્યું હતું કે રેલવે બોર્ડે તાજેતરમાં કબૂલ્યું હતું કે પદો ખાલી હોવાના કારણે લોકો પાઈલટોને વધુ સમય ફરજ બજાવવી પડે છે, છતાં ટ્રેનચાલકોના પદ કેમ ભરાયા નથી. પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ બાબતોની સંસદીય સ્થાયી સમિતિએ ડિસેમ્બર, 2022માં આપેલા 323માં અહેવાલમાં રેલવે સુરક્ષા આયોગ (સીઆરએસ)ની ભલામણોની રેલવે બોર્ડ દ્વારા ઉપેક્ષા કરવા બદલ રેલવે બોર્ડની ટીકા કરી છે. આ અહેવાલમાં એવો પણ ખુલાસો કરાયો છે કે સીઆરએસ માત્ર આઠથી દસ ટકા રેલવે અકસ્માતોની તપાસ કરે છે. સીઆરએસને વધુ મજબૂત અને સ્વાયત્ત બનાવવાનો પ્રયાસ સરકારે કેમ નથી કર્યો એવો સવાલ પણ ખડગેએ કર્યો છે.

બિહારમાં બ્રિજ ધરાશાયી છતાં નીતિશકુમારના રાજીનામા અંગે વિપક્ષ ચૂપ

બિહારમાં 1700 કરોડ રૂપિયાનો કેબલ પુલ તુટી પડયા બાદ હવે મોરબી પુલ હોનારતને લઈને પણ રાજનીતિ શરૂ થઈ છે. ભાજપે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારના રાજીનામાની માગણી કરી છે. જેના જવાબમાં જેડીયુએ મોરબી પુલ હોનારતની યાદ અપાવી છે અને ગુજરાતના મુખ્ય પ્રધાને રાજીનામું ન આપ્યા ઉપર સવાલ કર્યો છે. બિહારમાં કેબલ બ્રિજ તુટી પડતા વિપક્ષી દળ ભાજપે મહાગઠબંધન ઉપર પ્રહાર શરૂ કર્યા છે અને નીતિશ કુમારના રાજીનામાની માગણી કરી છે. આ સાથે આરોપ મુક્યો છે કે ભ્રષ્ટાચારના કારણે પુલ તૂટયો છે. ભાજપના આરોપ  ઉપર પલટવાર કરતા જેડીયુના ગુજરાતના મોરબીમાં બનેલી પુલ હોનારાતની યાદ અપાવી છે અને કહ્યું છે કે મોરબીમાં 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો. તે સમયે ભાજપે પોતાના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના રાજીનામાની માગ કેમ ન કરી. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ