• બુધવાર, 24 એપ્રિલ, 2024

મેટલ, ટેલિકૉમ અને અૉટો શૅર્સમાં ખરીદીથી સેન્સેક્ષ, નિફટી વધ્યા  

પસંદગીના શૅર્સમાં નક્કર ખરીદી 

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 2 : વૈશ્વિક બજારોના મજબૂત વલણના પગલે આજે બજાર છેલ્લે સકારાત્મક બંધ રહ્યું હતું. સેન્સેક્ષ 118.57 પૉઈન્ટ્સ (0.19 ટકા) વધીને 62,547.11 પૉઈન્ટ્સ ઉપર, જ્યારે નિફ્ટી 46.35 (0.25 ટકા) પૉઈન્ટ્સ વધી 18,534.10 પૉઈન્ટ્સ ઉપર બંધ રહ્યા હતા. બૅન્ક નિફ્ટી 147.65 (0.34 ટકા) પૉઈન્ટ્સ વધીને 43,937.85 પૉઈન્ટ્સ ઉપર બંધ રહ્યો હતો.

સપ્તાહના અંતિમ દિવસ શુક્રવારે બજારના મુખ્ય સૂચકાંકોમાં ભારે ચડ-ઊતર જોવા મળી હતી. પાછલાં બે સત્રમાં સૂચકાંકો ઘટયા બાદ આજે મેટલ, ટેલિકૉમ અને અૉટો સ્ટૉકમાં લેવાલીથી બજાર વધ્યું હતું.

મારુતિના નેજા નીચે હ્યુંડાઈ અને એમઍન્ડએમના પેસેન્જર વેહિકલના વેચાણમાં થયેલો વધારો તેમ જ સતત ત્રીજા મહિનામાં જીએસટીનું કલેક્શન રૂા. 1.50 લાખ કરોડથી વધતા બજારમાં એકંદરે તેજીનું ધ્યાન હતું. અમેરિકાની સંસદે બન્ને ગૃહોમાં દેવાંની ટોચમર્યાદાનું બિલ પસાર કરતા વૈશ્વિક બજારમાં ખરીદી નીકળી હતી. આજે એશિયન બજારોમાં સિઓલ, ટોકિયો, શાંઘાઈ અને હૉંગકૉંગના બજારો વધીને બંધ રહ્યા હતા. યુરોપિયન બજારો પણ સકારાત્મક હતા. ગુરુવારે રાત્રે અમેરિકન બજારો વધીને બંધ રહ્યા હતા.સેન્સેક્ષમાં તાતા સ્ટીલ સૌથી વધુ બે ટકા વધ્યો હતો. તે સાથે મારુતિ, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા, સન ફાર્મા, એલ ઍન્ડ ટી, ટાઈટન, ભારતી ઍરટેલ, પાવરગ્રીડ, આઈટીસી, એસબીઆઈ અને નેસ્લેના ભાવ વધ્યા હતા.

તેનાથી વિરુદ્ધમાં ઈન્ફોસીસ, વિપ્રો, એચસીએલ ટેક્નો., ટીસીએસ, ઈન્ડસઈન્ડ બૅન્ક, ટેક મહિન્દ્રા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને બજાજ ફાઈનાન્સના ભાવ ઘટયા હતા. મે મહિનામાં જીએસટીનું કલેક્શન 12 ટકા વધીને રૂા. 1.57 લાખ કરોડથી વધુ થયું હતું, એમ ગુરુવારે પ્રસિદ્ધ થયેલા સત્તાવાર અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

મે મહિનામાં મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓ 31 મહિનાની ટોચે પહોંચી હતી. નવા અૉર્ડરમાં વધારો અને બજારની અનુકૂળ સ્થિતિને કારણે રોજગારીની વધુ તકો ઊભી થઈ હતી.અૉટોમોબાઈલ ક્ષેત્રમાં એસયુવીની મજબૂત માગને પગલે મે મહિનામાં મારુતિ સુઝુકી, હ્યુંડાઈ, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા અને ટોયોટો કિર્લોસ્કર મોટરના સ્થાનિક પેસેન્જર વેહિકલના વેચાણમાં વધારો થયો હતો.વૈશ્વિક બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ 1.74 ટકા વધીને 75.57 ડૉલર પ્રતિ બેરલ રનિંગ હતા.એક્સ્ચેન્જના આંકડા મુજબ ગુરુવારે એફઆઈઆઈએ રૂા. 71.07 કરોડના શૅર વેચ્યા હતા. આજે રૂપિયો યુએસ ડૉલર સામે નવ પૈસા મજબૂત થઈ 82.31 (પ્રોવિઝનલ) થયો હતો.

આજે સ્ટાર સિમેન્ટ, મિન્ડા કૉર્પોરેશન, એનસીસી, પાવર ફાઈનાન્સ, ઝેન્સાર, નારાયણ હૃદયાલય, એપોલો હૉસ્પિટલ, ડીએલએફ, આરઈસી, ટ્રેન્ટ, સનોફી, પોલિ કેબ, બિરલા કૉર્પોરેશન, જસ્ટ ડાયલ, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, એમઍન્ડએમ ફાઈનાન્સિયલ, કેપીઆઈટી ટેક્નો, ટાઈટન, પ્રોક્ટર ઍન્ડ ગેમ્બલ, ભારત ડાયનેમિક્સ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ, સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝ, મેટ્રો બ્રાન્ડઝ, લ્યુપિન, કોફોર્જ, બજાજ અૉટો, બ્રિટાનિયા, એબી કૅપિટલ, તાતા મોટર્સ, ડેલ્ટ, ક્રિસિલ તથા સુંદરમ ફાસ્ટનર્સના ભાવ બાવન સપ્તાહની ઊંચાઈ ઉપર પહોંચ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક